દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

૨૦૧૭માં દુનિયાભરના લોકોમાં ''સ્ટ્રેસ'' રેકોર્ડ લેવલે પહોંચ્યો

ગેલપ્સના વાર્ષિક ગ્લોબલ ઇમોશન રીપોર્ટ અનુસાર ગયું વર્ષ વિશ્વભરમાંઆખા દાયકામાં સોૈથી ખરાબ

ગેલપનો નકારાત્મક અનુભવનો આંક ૨૦૦૬થી અત્યાર સુધીમાં સોૈથી ઉંચો આ વર્ષે જોવા મળ્યો છે. કેટલા લોકોએ ચિંતા, સ્ટ્રેસ, ગમગીની, ગુસ્સો કે દુખાવો અનુભવ કર્યો તેના આધારે આ આંક નક્કી કરવામાં આવે છે. ૧૪૬ દેશોના લગભગ ૪૦ ટકા પુખ્ત લોકોએ કહયું કે તેમણે ચિંતા અથવા સ્ટ્રેસનો અનુભવ કર્યો હતો, ૨૩ ટકા લોકોએ કહયું કે તેઓ દુઃખી હતા અને ૨૦ ટકાએ કહયું કે તેઓ ગુસ્સે થયા હતા. આ સર્વેના પરિણામો પરથી જે આંક મળ્યો હતો તે ૩૦ પર પહોંચ્યો હતો જે ૨૦૧૬ના ૨૮ ટકા કરતા વધારે હતો અને ૨૦૦૭ના આંક ૨૩ કરતા તો ઘણો વધારે હતો.

ગેલપના મેનેજીંગ એડીટર મોહમ્મદ યુનિસે રીપોર્ટમાં લખ્યું છે કે, આના પરથી તારણ નીકળે છે કે દુનિયા આજે ભુતકાળના કોઇપણ સમય કરતા વધારે સ્ટ્રેસ, ચિંતા, ગમગીની અને દુઃખાવાથી પીડિત છે. આ અભ્યાસ માટે દુનિયાભરના ૧,૫૪,૦૦૦થી પણ વધારે લોકોના ઇન્ટરવ્યું લેવાયા હતા.

જયારે હકારાત્મક અનુભવનો આંક સતત બીજા વર્ષે નીચો ગયો છે. ૧૪૭ દેશોના લગભગ ૭૦ ટકા લોકોએ કહયું કે તેમણે ઘણો બધો આનંદ, હાસ્ય, આરામ અને માનસન્માન મેળવ્યા હતા. આના તારણો પરથી હકારાત્મક અનુભવનો આંક ૬૯ મળ્યો હતો જે વર્ષ ૨૦૧૬ના આંક ૭૦ કરતાં થોડો નીચો ગયો છે.

(3:53 pm IST)