દેશ-વિદેશ
News of Saturday, 15th June 2019

પિતાની જિંદગી બચાવવા માટે ૧૧ વર્ષનો છોકરો દિવસમાં પાંચ વાર ખાઇને વજન વધારી રહ્યો છે

બીજીંગ તા.૧૫: ચીનના હેનાના પ્રાંતમાં આવેલા શિનશિઆંગ શહેરમાં ૧૧ વર્ષનો એક દીકરો પોતાના પિતાનો જીવ બચાવવા માટે મહેનત કરીને વજન વધારી રહ્યો છે. જરા સાંભળવામાં નવાઇ લાગે એવું છે, પણ હકીકત ખરેખર ખૂબ ઇમોશનલ કરી નાખે એવી છે. લુ ઝિકુઆન નામના આ બાળકના પપ્પા છેલ્લા સાત વર્ષથી લ્યુકેમિયા એટલે કે એક પ્રકારના લોહીના કેન્સરથી ઝૂઝી રહ્યા છે. ગયા ઓગસ્ટ મહિનામાં તેમની હેલ્થ ખૂબ ઝડપથી બગડવા લાગી અને એ વખતે ડોકટરોએ કહ્યું કે હવે જો જીવ બચાવવો હોય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. આ માટે મોટા ભાગે પરિવારના સભ્યોમાંથી બોન મેરો મેચિંગ થઇ શકે છે. તમામ તપાસ કરતા બીજા બધા જ સભ્યોમાંથી માત્ર ૧૧ વર્ષનો દીકરો જ મેડિકલી કોમ્પેટિબલ નીકળ્યો. એ વખતે દીકરો લુ માત્ર ૧૦ જ વર્ષનો હતો. તે પિતાનો જીવ બચાવવા માટે ડોનર બનવા તૈયાર છે, પરંતુ તેનુ વજન અને ઉંમર જોતા હજી તે એલિજિબલ બની શકે એમ નથી. લુ ઝિકુઆનનું વજન ૩૦ કિલો હતું અને તેણે ૧૫ કિલો વજન વધારીને એટલીસ્ટ ૪૫ કિલોના થવું જરૂરી છે અને તો જ તે પિતાને બોન મેરો આપવાની સર્જરી કરી શકશે. માર્ચ મહિનામાં આ વાતની ખબર પડી છે ત્યારથી દીકરો પાંચ વાર ખાઇને વજન વધારવાનું શરૂ કરી દીધું છે. ડોકટરનું કહેવું છે કે તેનું વજન ૪૫ થી ૫૦ કિલો જેટલું હોવું જોઇએ. દીકરાનું વજન વધારવાનું પેશન જોઇને તેની સ્કૂલના કેટલાક વાલીઓએ પણ પરિવારને આર્થિક મદદ માટે હાથ લંબાવ્યો છે. એકાદ મહિનામાં તેનું વજન ટાર્ગેટ અચીવ કરી લેશે અને એ પછી તે પિતાનો જીવ બચાવવા માટે બોન મેરો ડોનર બની શકશે.

(3:44 pm IST)