દેશ-વિદેશ
News of Saturday, 15th May 2021

પાકિસ્તાનમાં માત્ર 39 લાખ લોકોને જ રસી મળી હોવાની માહિતી:વિશ્વ બેન્ક 11 અબજ ડોલરની સહાય કરતી હોવાની માહિતી

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના સંક્રમણ અને રસીની અછતની વચ્ચે પણ 15 કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી અપાઈ છે અને બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનનો આ મામલામાં રેકોર્ડ ઘણો કંગાળ છે. પાકિસ્તાનની વસતી 15 કરોડ કરતા પણ વધારે છે અને અહીંયા હજી માત્ર 39 લાખ લોકોને જ કોરોનાની રસી મુકી શકાઈ છે. પાકિસ્તાનમાં રસીકરણને લઈને ઈમરાનખાન સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત વિશ્વ બેન્કે કોરોનાની રસી મુકવા માટે પાકિસ્તાનની મદદ કરવાનુ નક્કી કર્યુ છે. પાકિસ્તાનને વિશ્વ બેન્ક કોરોનાના વેક્સીનેશન પ્રોગ્રામ માટે 153 મિલિયન ડોલર એટલે કે 11 અબજ રુપિયાની સહાય કરવાનુ નક્કી કર્યુ છે. વિશ્વ બેન્ક આ પહેલા પણ કહી ચુકયુ છે કે, ગરીબ દેશોને વેક્સીન ખરીદવામાં અને તેનુ વિતરણ કરવામાં અમે મદદ કરીશું. વર્લ્ડ બેન્કે કુલ 21 દેશોમાં બે અબજ ડોલરથી વધારે કિંમતની વેક્સીન યોજનાઓને મંજૂરી આપી છે અને તેમાં પાકિસ્તાન પણ એક છે.વિશ્વ બેન્કે કહ્યુ છે કે, આ રકમનો ઉપયોગ રસી મુકવા માટેના તંત્રને મજબૂત કરવા માટે અને વેક્સીનેશન પ્રોગ્રામને લાગુ કરવા માટે કરવામાં આવશે.

(6:00 pm IST)