દેશ-વિદેશ
News of Tuesday, 14th January 2020

હે ભગવાન.....બિલાડીને બચાવવા આ દાદીમાએ પૌત્રને પાંચમા માળેથી લટકાવ્યો

નવી દિલ્હી:સોશિયલ મીડિયા પર ચીનનો એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. એક વૃદ્ધ મહિલાએ પોતાના 7 વર્ષીય પૌત્રને ચારે બાજુએ દોરડું બાંધી દીધું અને તેને એક અપાર્ટમેન્ટના 5માં માળે એટલા માટે લટકાવી દીધો, જેથી તે એક પાલતૂ બિલાડીને બચાવી શકે. સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને નીચે ઊભા રહેલા લોકોએ રેકોર્ડ કરી લીધો અને ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દીધો.

પાલતૂ બિલાડી બે ફ્લોર નીચે એક છત પર ફસાયેલી હતી. મહિલાએ બાળકને દોરડા વડે બાંધીને નીચેની તરફ ઉતાર્યો. બાળક નીચે ઉતરીને બિલાડીને ઉંચકી લે છે, ત્યારબાદ મહિલા ધીમે રહીને તે બાળક અને બિલાડીને ઉપર ખેંચી લે છેદરમિયાન નીચે ઊભા રહેલા લોકો મહિલાને સાવધાન રહેવા માટે કહેતા દેખાઈ રહ્યા છે.

સ્થાનિક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આખી ઘટના લગભગ 10 મિનિટમાં થઈ. 10 મિનિટ સુધી બિલાડી અને છોકરો હવામાં લટકતા રહ્યા. અઠવાડિયાની શરૂઆતમાં બનેલા ઘટના સિચુઆન પ્રાંતના પેંગટન કાઉન્ટીમાં બની હતી. લોકો આવું કૃત્ય કરવા બદલ મહિલાની ટીકા કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, તેણે બાળકની જીવને જોખમમાં શા માટે નાંખ્યો.

(3:00 pm IST)