દેશ-વિદેશ
News of Monday, 13th January 2020

સ્વિસના વૈજ્ઞાનિકોએ મેળવી મોટી સફળતા: બનાવ્યું પ્લાસ્ટિકમાંથી સોનુ

નવી દિલ્હી:પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહેલા પ્લાસ્ટિકમાંથી ઇંધણ અને રસ્તા બનાવવા જેવા ઘણા પ્રયોગ થઇ ચૂક્યા છે પણ દુનિયામાં પહેલી વાર સ્વિસ વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકમાંથી સોનું બનાવવામાં સફળતા મેળવી છે. પ્લાસ્ટિકના મેટ્રિક્સનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરીને બનાવાયેલું 18 કેરેટનું આ સોનું વજનમાં ઘણું હલકું છે અને તેની ચમક પણ અસલ સોના જેવી જ છે. તેને સરળતાથી પોલિશ પણ કરી શકાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે હલકું હોવાના કારણે તે સોનાની ઘડિયાળો અને જ્વેલરી તરીકે ખૂબ લોકપ્રિય થશે. સ્વિસ યુનિવર્સિટી ઇટીએચ જ્યૂરિખના વિજ્ઞાની રાફેલ મેજેન્ગાએ જણાવ્યું કે સોનાનું જે નવું રૂપ વિકસાવાયું છે તેનું વજન પરંપરાગત 18 કેરેટ સોનાથી લગભગ 10 ગણું ઓછું છે. તેમ છતાં તે 18 કેરેટનું સોનું છે. તે બનાવવા માટે પ્રોટીન ફાઇબર અને એક પોલિમર લેટેક્સનો ઉપયોગ કરાયો. તેમાં પહેલા સોનાના નેનોક્રિસ્ટલની પાતળી ડિસ્ક રખાઇ. પહેલા પાણી અને પછી આલ્કોહોલ દ્વારા આ મિશ્રણ તૈયાર કરાયું. આ મિશ્રણને કાર્બન ડાયોક્સાઇડ ગેસના હાઇ પ્રેશરથી પ્રવાહિત કરીને તેને નક્કર આકારમાં ફેરવવામાં આવ્યું. સંશોધકોએ તે બનાવવાની પ્રક્રિયા અને સામગ્રી બન્ને માટે પેટન્ટની અરજી આપી છે.

(6:10 pm IST)