દેશ-વિદેશ
News of Saturday, 14th December 2019

ત્રણ વર્ષની છોકરીએ ૧૦ લકઝરી કાર પર લિસોટા પાડતાં પપ્પાએ ભરવો પડયો ૭ લાખ રૂપિયાનો દંડ

બીજીંગ તા ૧૪  :  પપ્પાએ નાછુટકે કાર ખરીદવી પડે એ માટે શોરૂમમાં મુકેલી લકઝરી કાર પર સ્કેચ પાડયા હતા, એવું કામ કરવા બદલ તેને પોલીસે સારો એવો સબક શીખવ્યો હતો. જોકે તાજેતરમાં ચીનમાં ત્રણ વર્ષની બાળકીએ કારના શોરૂમમાં નવી નક્કોર ૧૦ કાર પર પથ્થર વડે લિસોટા પાડી દેતા તેના પપ્પા માટે મોટી મુસીબત ઉભી થઇ હતી. ગુઇલીન શહેરમાં આઉડી કારના ડીલરે બાળકીના પિતા પર કેસ કર્યો હતો. અને વળતરપેટે આ ભાઇએ ૭,૦૮,૪૦૦ રૂપિયા ચુકવવા પડયા હતા.

વાત જાણેએમ હતી કે ઝાઓ નામના આ ભાઇ તેમના મિત્ર સાથે કારના એક શોરૂમમાં ગયા હતા. જયાં તેમની સાથે તેમની પત્ની તેમજ ત્રણ વર્ષની દીકરી પણ હતી. ઝાઓ તેના મિત્ર અને પત્ની સાથે શોરૂમના સ્ટાફની વાતો સાંભળી રહયા હતા એ વખતે તેમની દીકરી શોરૂમમાં આમતેમ ફરીને સમય પસાર કરી રહી હતી. તે એકલી  રમતી હતી એટલે કોઇનું ધ્યાન તેની તરફ ગયું નહીં જોકે થોડા સમય બાદ કંટાળેલી દીકરીએ પથ્થર ઉપાડીને શોરૂમમાં રાખવામાં આવેલી કાર પર લિસોટા પાડવાનું શરૂ કરી દીધું આ કારમાં એક કરોડ રૂપિયાની આઉડી કયુ-એઇટ પણ સામેલ હતી. એ શોરૂમના ડીલરે૧૦ કારની નુકશાની પેટે ૨૦,૧૧,૬૧૫ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. જોકે છેવટે ૭,૦૫,૪૦૦ રૂપિયામાં મામલાની પતાવટ થઇ હતી.હકીકતમાં લિસોટા પડેલી કારને ફરી પેઇન્ટ કરીને નવી કાર તરીકે ડીલર વેચી શકે એમ નહોતો. એમ કરવા જતા જો કાર પેઇન્ટ કરાવી હોવાનું પુરવાર થાય તો ડીલર કારની કિંમતની ત્રણગણી રકમ કાર ખરીદનારને ચુકવવી પડે. આથી ડીલરે આ કારને ફરજીયાત બજાર કિંમત કરતા ઓછા ભાવે વેચવી પડે એમ હતી.

(3:19 pm IST)