દેશ-વિદેશ
News of Thursday, 14th October 2021

ઈંગ્લેન્ડના વાઇલ્ડ લાઇફ સેન્ટરનો બે માથાવાળો કાચબો બન્યો ચર્ચાનો વિષય : લોકો ગણાવી રહ્યા છે ચમત્કાર

લંડન, તા.૧૪: ઈંગ્લેન્ડના વાઇલ્ડ લાઇફ સેન્ટરના બે માથાવાળા કાચબાની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.આ અનોખો કાચબો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યાર સુધી તમે એક શરીરમાં બે માથા હોય તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય પ્રાણીઓ કે જીવજંતુઓ વિશે સાંભળ્યુ છે, કે જેમને બે માથા હોય. તાજેતરમાં એક અનોખા કાચબાની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.આ કાચબાના બે માથા જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.તો કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે.

ઈંગ્લેન્ડના વાઈલ્ડ લાઈફ સેન્ટરની કેપ કોડ શાખાએ ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યુ હતુ કે, એક શરીરમાં બે જોડિયા કાચબાએ જન્મ લીધો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, બેબી ટર્ટલ. ડાયમંડબેક ટેરાપીન્સ. આ એક દુર્લભ સ્થિતિ છે, જે સરળતાથી જોઈ શકાતી નથી. આ સ્થિતિમાં જીવ ખૂબ લાંબા સમય સુધી ટકી શકતા નથી. અથવા તેમનો વિકાસ યોગ્ય રીતે થતો નથી, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ બંને ઝડપથી વિકસી રહ્યા છે.

ફેસબુક પોસ્ટ મુજબ, આ બાળ કાચબાનો જન્મ બાર્નસ્ટેબલ ખાતે થયો હતો. વાઇલ્ડ લાઇફ સેન્ટરના લોકો બે સપ્તાહથી વધુ સમયથી આ કાચબાની સંભાળ રાખી રહ્યા છે. તેઓ ખૂબ જ સક્રિય અને સચેત છે. વાઇલ્ડ લાઇફ સેન્ટરના લોકો આ કાચબા પર સંશોધન કરી રહ્યા છે. તેનો એકસ-રે કરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં બે કરોડરજ્જુ છે અને આ કાચબાને ત્રણ પગ છે. બંને મોઢા ખાઈ રહ્યા છે અને ખોરાક પચાવી રહ્યા છે. જો કે, તેમના વિશે હજુ સંશોધન ચાલી રહ્યું છે.

(3:05 pm IST)