દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

ઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી

ન્યૂયોર્ક તા. ૧૪ : શું તમારી સાથે પણ આવું થયું છે કે તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય અને ડિલીવરીમાં તમારા સામાન સાથે કોઈ પ્રાણી નિકળે? કેલિફોર્નિયામાં એક દંપતિ સાથે આવી ઘટના બની. અલ બ્રુમેટ અને ક્રિસ બ્રુમેટે પોતાની પૌત્રીને બર્થડેમાં ગિફટ કરવા માટે સાઈકલ ઓર્ડર કરી હતી. જયારે પાર્સલમાંથી સાઈકલ ખોલીને જોઈ તો તેમાં એક મોટી ગરોળી પણ હતી. આ ઘટના ૬ જૂનની છે.

રિવરસાઈડ કંટ્રી એનિમલ સર્વિસે જણાવ્યું કે મિસ્ટર બ્રુમનેટે જયારે સાઈકલનું પાર્સલ ખોલ્યું તો અચાનક ગરોળી તેમના પર ચઢી ગઈ. પાર્સલમાં આટલી મોટી ગરોળી જોઈને તેઓ ચોંકી ગયા. બ્રુમનેટએ જણાવ્યું કે, હું તેને જોઈને ડરી ગયો હતો કેમ કે તે ખુબ વિશાળ હતી.

ત્યાર બાદ તેમણે એનિમલ સર્વિસ ઓફિસર્સ નામની એક સંસ્થાને ફોન લગાવ્યો તો તેમણે આ ગરોળીની ઓળખ બીયર્ડ ડ્રેગન હોવાનું કહ્યું. ઓફિસરે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાઈ પ્રજાતિની આ ગરોળીને કેલિફોર્નિયામાં લોકો પાળે છે. ત્યાર બાદ આ ગરોળીને એનિમલ ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવી.(૨૧.૮)

(10:08 am IST)