દેશ-વિદેશ
News of Tuesday, 14th May 2019

રમતી વખતે ખેલાડીનો ખભો માથા પર વાગતાં છોકરી ગજિની બની ગઇઃ ૧૨ કલાકમાં બધું ભૂલી જાય છે

ન્યુયોર્ક, તા.૧૪: અમેરિકામાં રહેતી કેટલિન નામની ૧૬ વર્ષની છોકરી હજી ઓકટોબર ૨૦૧૭માં જ જીવ રહી છે. એનું કારણ છે કે તેને એન્ટરોગ્રેટેડ એમ્નેશિયા નામની ભૂલવાની બીમારી છે. આ બીમારીનો હજી કોઇ ઇલાજ શોધાયો નથી. જેમ 'ગજિની' ફિલ્મના આમિર ખાનને શોર્ટ ટર્મ મેમરીલોસની સમસ્યા હતી એમ કેટલિનને પણ ટૂંકા ગાળાનો સ્મૃતિભ્રંશ થઇ ગયો છે. ૨૦૧૭માં તે ક્રોસ કાઉન્ટી રનિંગ રેસની પ્રકિટસ કરી રહી હતી ત્યારે ભૂલથી તેના સહખેલાડીનો ખભો તેના માથા પર ખૂબ જોરથી વાગ્યો હતો. એ પછી તે બેભાન થઇ ગઇ અને ઊઠી ત્યાર પછી ઘટેલી કોઇ પણ ઘટના તેને ૧૨ કલાકથી વધુ યાદ નથી રહેતી. રોજ સવારે ઊઠે એટલે તેના પેરન્ટસે તેને યાદ દેવડાવવું પડે કે આજે કઇ તારીખ, વાર, સાલ અને દિવસ છે. તેને માટે તો માથામાં ઇન્જરી થયેલી એ દિવસ સુધીની જ યાદો છે. રોજ તેને યાદ અપાવ્યા પછી પણ તે ફરીથી ૧૨ કલાકમાં બધું ભુલી જાય છે. ડોકટરોને હતું કે આ સમસ્યા બહુ લાંબી નહીં ચાલે, ત્રણેક વીકમાં તે સાજી થઇ જવી જોઇએ. જોકે દોઢ વર્ષ થઇ ગયું હોવા છતાં તેની એ હાલત છે. પેરેન્ટ્રસે ઘરમાં ઠેર-ઠેર તેને ચોકકસ ચીજો યાદ અપાવવા માટે ચિઠ્ઠી લખીને મૂકી રાખી છે.

(3:18 pm IST)