દેશ-વિદેશ
News of Saturday, 14th April 2018

શું તમે રાતના રાજા છો? તો બહુ ગર્વ કરશો નહીં : તમારૂ સ્વાસ્થય જોખમમાં છે

નવી દિલ્હી, તા.૧૪ : અરે મારે તો રાત પડે એટલે જ ખરો દિવસ ઊગે એવું કહેતાં આપણે ઘણા યંગસ્ટર્સને સાંભળ્યા છે. લોકો રાતે નવ-દસ વાગ્યે દિવસ પતાવીને સૂવાની વાત કરતા હોય ત્યારે આવા લોકો પાર્ટી કરવાની અને મિત્રો સાથે મહેફિલ જમાવવાની તૈયારી કરે છે. ઘણી વાર તેઓ આખી રાત જાગીને કામ કરે છે. સ્ટુડન્ટસ પણ આખો દિવસ આમતેમ ભટકીને રાત પડયે ચોટી પકડીને વાંચવા બેસી જાય છે. જો તમે પણ આમાંના જ એક હો તો ચેતવા જેવું છે. બ્રિટનમાં પાંચ લાખ લોકોની સુવા-ઊઠવાની આદતોનો અભ્યાસ કરીને નોંધાયુ છે કે પોતાને રાતના રાજા ગણાવતા લોકોમાં અચાનક અને વહેલું મૃત્યુ થવાનું જોખમ દસ ટકા જેટલું વધારે હોય છે. ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ રાતે ઉજાગરા કરીને કામ કરતા કે મજા માણતા લોકો નોર્મલ આવરદા કરતાં સાડાછ વર્ષ જેટલા વહેલા મૃત્યુ પામે એવી સંભાવના હોય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે રાતે જાગવાનું પ્રિફર કરતા લોકોમાં ડાયાબિટીઝ, સાઇકોલોજિકલ ડિસઓર્ડસ અને ન્યુરોલોજિકલ ડિસઓડર્સ થવાનું પ્રમાણ ઘણું જ ઊચું હોય છે. રાતના જ વધુ એકિટવ ફીલ કરતા લોકોની બોડી-કલોક સૂર્યના ઊગવા-આથમવા સાથે સેટ થયેલી નથી હોતી જેને કારણે શરીરની આંતરિક કલોક અને બ્રાહ્ય સમયની રિધમ જળવાતી નથી. ખાવા-પીવાનો સમય, સૂવા અને જાગવાનો સમય મેચ નથી થતો. કસરતનું પ્રમાણ સાવ જ ઘટી જાય છે અને આ બધાને કારણે સાઇકોલોજિકલ સ્ટ્રસ પેદા થાય છે જે શરીરમાં ક્રોનિક રોગોને જન્મ આપે છે.(૨૩.૮)

(2:28 pm IST)