દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

વાળ સફેદ કેમ થાય છે? કારણ મળ્યું

લાંબા સમયથી તણાવનો સામનો કરનારાઓના શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બની જતી હોય છે

બોસ્ટન, તા.૧૪: આ વાળ તડકામાં સફેદ થયા નથી પણ ડહાપણથી શ્રેત બન્યા છે, તેવું વૃદ્ઘો અવારનવાર કહેતા હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાળ તણાવથી સફેદ થતાં હોય છે. આ અંગેનો એક સંશોધનથી જાણી શકાયું છે કે લાંબા સમયથી તણાવનો સામનો કરનારાઓના શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બની જતી હોય છે. જેની આડઅસરથી વાળ ધોળા થઈ જતા હોય છે. જો નર્વસ સિસ્ટમને સક્રિય ન થવા દઈએ તો વાળ ધોળા થવાની સંભાવના ઘટી જાય છે, તેવું ઉંદરો પર થયેલું સંશોધન દર્શાવે છે.

'નેચર'સામયિકમાં આ અંગેનો અભ્યાસ પ્રકાશિત થયો છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના થિઆગો મટ્ટર કુન્હાએ કહ્યું કે 'લાંબા સમયથી માનવામાં આવતું હતું કે તણાવથી વાળ સફેદ થતા હોય છે, પણ આ માન્યતા માટે કોઈ આધાર મળતો ન હતો. અમારા અભ્યાસથી શોધી શકાયું છે કે શરીરમાં શું થવાથી વાળ સફેદ થતા હોય છે અને આ પ્રક્રિયા અટકાવવાનો માર્ગ અમે શોધી શકયા છે.' મોરોક્કોમાં થતા કેકટ્સ પ્રકારના પ્લાન્ટમાંથી મેળવેલું રેસિનિફેરાટોકસીન ઉંદરમાં ઈન્જેકટ (દાખલ) કરવામાં આવ્યું હતું. આ ટોકસીન (ઝેરી પદાર્થ) દ્યણાં સપ્તાહ સુધી કાળા ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી અને તે પછી તેના વાળ સફેદ થયા હતા. સીડીકે (સાઈકલીનડિપેન્ડેન્ટ કિનાસે) નામના પ્રોટીનથી વાળ સફેદ થતાં હોવાની સંંશોધનકારોને જાણ થઈ હતી. તે પછી સીડીકે ઈનહિબિટર (સીડીકેને અટકાવનાર) ઉંદરમાં ઈન્જેકટ કરવામાં આવ્યું હતું તો ખબર પડી કે વાળ સફેદ થવાનું અટકી ગયું હતું. હાર્વર્ડના કુન્હાએ કહ્યું કે શ્નઉંદરોમાં રેસિનિફેરાટોકસીન ઈન્જેકટ કરવામાં આવ્યું તે પછી અમે તેમને ગુઆનેથિડિન આપ્યું હતું જે એન્ટી-હાઈપરટેન્સિવ (તાણ ઘટાડે) છે અને અમે અવલોકન કર્યું કે વાળનો રંગ સફેદ થતો અટકાવી શકાયો હતો.

ઉંદરને થતી પીડાથી શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બનતી હોય છે અને એડ્રેનલિન અને કોર્ટિસોલ હોર્મોન ઉત્તેજિત થઈ જતા હોય છે. હૃદય ઝડપભેર ધબકવા લાગે છે. બ્લડપ્રેશર વધી જતું હોય છે. શ્વાસોશ્વાસ ઝડપી બને છે. ડોળા પહોળા થાય છે.

(10:06 am IST)