દેશ-વિદેશ
News of Sunday, 14th January 2018

ચીની યુવતી યાંગ હુઈયાને સાત દિવસમાં રૂ. ૩૯ હજાર કરોડની કમાણી કરી!

રિઅલ એસ્ટેટનો બિઝનેસ કરતી યાંગ ચીનની સૌથી ધનવાન યુવતી

બેઈજિંગ, : શનિવાર ચીનની કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ કંપનીની વાઈસ ચેરપર્સન અને ચીનની જાણીતી પ્રોપર્ટી ડેવલપર યાંગ હઈયાનને ૨૦૧૮નું વર્ષ ફળ્યું છે. વર્ષની શરૂઆતના પહેલાં સપ્તાહમાં જ તેની કમાણીમાં રૂ. ૩૯ હજાર કરોડનો વધારો થયો હતો. તે સાથે જ તે ચીનની સૌથી ધનવાન મહિલા બની ગઈ છે. ચીનની ૩૬ વર્ષીય બિઝનેસ સાહસિક યાંગ હઈયાનને એક જ સપ્તાહમાં મળેલાં આટલા મોટા આર્થિક જમ્પના કારણે તેણે કમાણીની બાબતમાં બિલ ગેટ્સ અને મુકેશ અંબાણીને ય પાછળ રાખી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના કહેવા પ્રમાણે અત્યારે યાંગથી એમેઝોનના જેફ બેઝોસ જ આગળ છે. મહિલાઓની યાદીમાં બ્લૂમબર્ગે તેને પ્રથમ સ્થાન આપ્યું છે. તેની નેટવર્થ ૨.૬૫ લાખ કરોડ હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું હતું. ૩૬ વર્ષની યાંગ ચીનની સૌથી યુવા ધનવાન બિઝનેસ પર્સન છે. યાંગને તેના પિતા યાંગ ગ્યુક્વિંગે ૨૦૦૫માં વારસો આપ્યો હતો. એ પછી તેની બિઝનેસ કૂનેહથી તેણે વારસામાં મળેલા રીઅલ એસ્ટેટ બિઝનેસને આગળ વધાર્યો છે અને એક નવી ઊંચાઈ આપી છે. બ્લૂમબર્ગના નવા વર્ષના આર્થિક ઈન્ડેક્સમાં ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણી ૨૦મા ક્રમે છે. આ વર્ષે મુકેશ અંબાણીની આવકમાં ૨૪૬૨ કરોડનો વધારો થયો હતો. તે સાથે જ તેમની નેટવર્થ ૨.૬૦ લાખ કરોડ થઈ હોવાનું કહેવાય છે. તો બિલ ગેટ્સની આવકમાં ૯૫૫૫ કરોડનો વધારો થયો હતો. તે સાથે જ તેમની નેટવર્થ ૬.૩૧ લાખ કરોડ થઈ હોવાનો અંદાજ છે. આ બધાથી આગળ એમેઝોનને જેફની નેટવર્થ ૬.૭૪ લાખ કરોડ છે.

 

(11:34 am IST)