દેશ-વિદેશ
News of Sunday, 13th October 2019

સેમ્યુયલ લિટલ : અમેરિકાના ઇતિહાસનો ખતરનાક હત્યારો જેણે 93 લોકોની હત્યા કરી

ન્‍યુયોર્ક : 40થી વધુ વર્ષમાં 93 લોકોની હત્યાની કબૂલાત કરી ચૂકેલો એક વર્તમાન કેદી અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો માનવહત્યારો હોવાની વાતને અમેરિકાની ફેડરલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (એફબીઆઈ) સમર્થન આપ્યું છે.

સેમ્યુલ લિટલ નામના આ હત્યારાએ તેમણે કરેલી હત્યાના ગુનાને કબૂલી લીધો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સેમ્યુઅલે નિઃસહાય લોકોને અને ખાસ કરીને અશ્વેત મહિલાઓને નિશાન બનાવતો હતો.

એ પૈકીનાં ઘણાં મહિલાઓ સેક્સ વર્કર હતાં અથવા માદક દ્રવ્યોનું સેવન કરતાં હતાં.

ભૂતપૂર્વ બૉક્સર સેમ્યુઅલ લિટલ તેના શિકારની ગૂંગળાવીને હત્યા કરતાં પહેલાં તેમને મુક્કા મારીને પછાડી દેતો હતો. તેથી એ વ્યક્તિની ઠંડા કલેજે હત્યા કરાઈ હોવાનાં નિશાન મળતાં નહીં.

એ કારણે એફબીઆઈએ ઘણી હત્યાની ક્યારેય તપાસ કરી જ ન હતી અને ઘણા લોકોનાં મોતને ખોટી રીતે આકસ્મિક મોત કે માદક પદાર્થના ઑવરડોઝને લીધે થયેલાં મૃત્યુ ગણવામાં આવ્યાં હતાં.

કેટલાકના મૃતદેહ ક્યારેય ન મળ્યા હોવાનું પણ એફબીઆઈએ જણાવ્યું હતું.

એફબીઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેમ્યુઅલે કરેલી તમામ કબૂલાત ભરોસાપાત્ર હોવાનું અમારા વિશ્લેષકો માને છે.

એફબીઆઈના ગુના વિશ્લેષક ક્રિસ્ટી પાલાઝોલોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "સેમ્યુઅલ લિટલ વર્ષો સુધી એવું માનતો રહ્યો હતો કે તે ક્યારેય પકડાશે નહીં, કારણ કે તેણે જેની હત્યા કરી છે એ લોકોને કોઈ ગણતરીમાં જ લેતું નથી."

"સેમ્યુઅલ હાલ જેલમાં હોવા છતાં એફબીઆઈ માને છે કે તેનો ભોગ બનેલી દરેક વ્યક્તિને ન્યાય મળે તે જરૂરી છે."

(11:37 am IST)