દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

મહિલા સાથે નાસ્તો કરવાના 'અપરાધ'માં થઇ જેલ!

સાઉદી અરબનો વિચિત્ર કિસ્સો

દોહા તા. ૧૩ : સાઉદી અરબમાં એક પુરુષને મહિલા સાથે બ્રેકફાસ્ટ કરવાનું મોંઘુ પડી ગયું. ઈજિપ્તના રહેનારા એક વ્યકિતને તે સમયે અરેસ્ટ કરવામાં જયારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેણે પોતાના સોશિયલ મીડિયા પર મહિલા સાથે બ્રેકફાસ્ટ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા સાઉદી અરબની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સાઉદી અરબના કાયદા અનુસાર, કોઈ મહિલા મેકડોનાલ્ડ, સ્ટારબકસ, ઓફિસ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર કોઈ પુરુષ સાથે એકલી ન બેસી શકે. મહિલાઓએ આ જગ્યાએ પુરુષોથી દૂર બેસવાનું હોય છે. તે આવા સ્થળે પોતાના પતિ કે પિતા સાથે પણ બેસી શકતી નથી. તેમને ફકત પોતાના પુત્ર અને ભાઈ સાથે જ બેસવાની પરવાનગી છે.

સાઉદીના શ્રમ અને વિકાસ મંત્રાલયે તે શખસને અરેસ્ટ કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે, તેણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને સમાજમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે. તેની ગિરફતારી બાદ ટ્વીટર પર આ બાબત ટ્રેન્ડ કરી રહી છે. વીડિયોના અંતમાં આ વ્યકિત પોતાના હાથે મહિલાને ખાવાનું ખવડાવે છે જેના પર વધારે બબાલ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે, માત્ર પુરુષને જ નહીં મહિલાને પણ સજા મળવી જોઈએ.

જોકે, કેટલાક લોકોએ આનો વિરોધ પણ કર્યો છે. લોકોનું કહેવું છે કે, જો તે વ્યકિતએ મહિલા સાથે બ્રેકફાસ્ટ કર્યો અને થોડી હસી-મજાક કરી લીધી તો તેમાં ખોટું શું છે? ઈજિપ્તના લોકો પણ આનો ખૂબ વિરોધ કરી રહ્યા છે.(૨૧.૪)

(10:38 am IST)