દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

માબાપ ફરવા જતાં રહયાં અને ભૂલકાં રમતાં-રમતા બાલ્કનીની ગ્રિલમાં ગળેથી લટકી પડયાં અને પાડોશીઓએ કાઢયા

બીજીંગ તા.૧૩: ચીનની ઝોન્ગ કાઉન્ટીમાં બેથી ચાર વર્ષના બે બાળકો બાલ્કનીની બહાર લગાવેલી ગ્રિલમાં ફસાઇ ગયાં હતાં. તેમનો ફલેટ પહેલા જ માળે હતો. જમીનથી લગભગ ૧૦ ફુટ  ઊંચે ગ્રિલમાં ફસાયેલાં બાળકો જોરશોરથી રડી રહયાં હતાં. પાડોશીઓને જેવી ખબર પડી એટલે તરત જ પહેલાં  તેમના ધરની ઘંટડી મારીને બાળકોને ઉપરથી ખેંચી લેવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ એ વખતે ઘરમાં કોઇ નહોતું એટલે કોઇએ દરવાજો ખોલ્યો નહીં. બીજી તરફ કેટલાક પાડોશીઓ નીચે ચાદર લઇને ઊભા રહી ગયા અને બે યુવાનો એક લાકડાની નિસરણી લઇને બાળકોને બચાવવા ઉપર ચડયા. બન્ને બાળકોનાં માથાં ગ્રિલમાં ફસાયેલાં અને માથાથી જ તેઓ ગ્રિલમાં ટકી ગયા હતા. બન્ને બાળકોને નીચેથી ઊંચાં કરીને તેમને પાછાં તેમની બાલ્કનીમાં નાખવાની કોશિશ કરી હતી. પાડોશીઓનું કહેવું હતું કે જયારે તેમના પેરેન્ટ્સને આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓ હાંફળા-ફાંફળા દોડી આવ્યા હતા. વાત એમ હતી કે પેરેન્ટ્સ તેમનાં દીકરા-દીકરીને ઊંઘતાં મૂકીને ફ્રેન્ડને ત્યાં પત્તાં રમવા જતા રહયા હતા. જયારે બાળકો ઊંઘમાંથી ઊઠયા અને મમ્મી-પપ્પાને ન જોયાં ત્યારે તેમને શોધવા માટે બાલ્કનીમાં ચડયાં હતાં અને ગ્રિલમાં ફસાઇ ગયાં હતાં.

(10:21 am IST)