દેશ-વિદેશ
News of Wednesday, 12th June 2019

ચીનમાં પ્રત્યાર્પણને મંજૂરી આપનારી સરકારની યોજનાઓ સામે હોંગકોંગમાં વિરોધ

હોંગકોંગ : વર્ષ ૧૯૯૭માં હોંગકોંગ ચીનને સોંપી દેવાયા પછી શહેરમાં પ્રથમ વખત વિશાળ સ્તરે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ચીનમાં પ્રત્યાર્પણ મંજૂરી આપનારી સરકારની યોજનાઓ સામે અત્યારે હોંગકોંગમાં હજારોની સંખ્યામાં લોકો સડક પર ઉતરી આવ્યા છે.તેમણે શહેરના બે મુખ્ય ધોરીમાર્ગ પર ચકકાજામ લગાવીને બંધ કરી દીધા છે. કાળા કપડા પહેરીને આવેલા પ્રદર્શનકારીઓએ જાતે જ બેરિકેડ લગાવીને સરકારી કચેરી તરફ જતા બે રસ્તા બંધ કરી દીધા છે.

પોલીસે બુધવારે આ ખરડા પર ચર્ચા શરૂ થાય તેના કેટલાક કલાક પહેલા પ્રદર્શનકર્તાઓને વેરવિખેર કરવા માટે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનન, પેપર સ્પ્રે અને ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો. હોંગકોંગમાં ૧૦૦ થી વધુ વ્યવસાયિકોએ જણાવ્યું કે, તેઓ પ્રદર્શનકર્તાઓને સમર્થન આપવા માટે બુધવારે પોતાની દુકાનો ખોલશે નહીં. શહેરના મોટા વિદ્યાર્થી સંઘોએ પણ જાહેરાત કરી છે કે તેઓ રેલીઓમાં સામેલ થવા માટે કોલજ બન્ક કરશે.

આ અગાઉ હોંગકોંગમાં બીજિંગ સમર્થક નેતાએ ચીનમાં પ્રત્યાર્પણની વિવાદિત યોજના પાછી ખેંચવાનો સોમવારે ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોંગકોંગમાં ચીનના સમર્થક નેતાઓ આ ખરડા પર ભાર મુકી રહ્યા છે, જેમાં ગુનેગારો પર કેસ ચલાવવા માટે તેમને ચીનમાં પ્રત્યાર્પિત કરવાની જોગવાઇ કરાયેલી છે.

હોંગકોંગમાં આ ખરડાની સામે રવિવારે પણ વિશાળ વિરોધ પ્રદર્શન થયું હતું. હોંગકોંગમાં આ ૧૯૯૭ પછીનું અત્યાર સુધીનું સૌથી મોટુ વિરોધ પ્રદર્શન હતું જેમાં ૧૦ લાખ કરતાં પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. આ અગાઉ, ૧૯૯૭માં હોંગકોંગ ચીનને સોંપવાના સમયે પણ સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

આ દરમિયાન અમેરિકાએ પણ ગુનેગારોને ચીનમાં પ્રત્યાર્પિત કરવાના આ વિવાદિત ખરડા અંગે ચિંતા વ્યકત કરી છે. અમેરિકાએ જણાવ્યું કે, આ પ્રકારનું પગલું વિસ્તારની  સ્વાયત્તતાની નબળી પાડી શકે છે અને મસાનવાધિકારોના સંરક્ષણ માટે પણ આ નુકસાનકારક સાબિત થઇ શકે છે.  

(6:10 pm IST)