દેશ-વિદેશ
News of Tuesday, 13th February 2018

મહિલાએ સાત મહિના સુધી પાડોશીના ડોગીની છીને પુરાવારૂપે ફ્રીઝરમાં સંઘરી રાખી

લંડન તા. ૧૩: કેટલાક દેશોના કાયદા મુજબ જો તમારૃં પાળેલું કૂતરૃં બહાર જઇને છીછી કરી આવે તો એનાથી ફેલાતી ગંદકી માટે માલિક જવાબદાર હોય છે. નોર્થ વેલ્સમાં આવા જ એક કેસમાં પેનલ્ટીથી બચવા માટે થઇને એલીનોર ગ્રેમ્બી નામનાં ૬૭ વર્ષનાં બહેને મહિનાઓ સુધી પાડોશીના ડોગીની પોટી કોથળીમાં ભરીને ફ્રીઝરમાં પુરાવારૂપે સાચવી રાખી હતી. વાત એમ હતી કે ગયા વર્ષે જુલાઇ મહિનામાં તેઓ પાડોશીના ડોગીને લઇને ફરવા નીકળ્યાં ત્યારે એ ડોગીએ કોઇકની કાર પાસે છીછી કરી નાખી. એ કારના માલિક અને ૮૯ વર્ષના જેક રસેલ નામના ભાઇએ ડોગીની છી માટે આ બહેન પર કેસ કર્યો. આ બહેનનું કહેવું હતું કે જેવી એ ડોગીએ પોટી કરી કે તરત જ તેણે એને ઉઠાવીને પ્લાસ્ટિકની એક બેગમાં ભરી લીધી હતી, પણ પોટી કડક નહીં પરંતુ સેમી-લિકિવડ હોવાથી કદાચ થોડાક અવશેષો રહી ગયા હશે એટલે આ અવશેષો માટે તે જવાબદાર નથી. પોતાને ડોગીની પોટી માટેનો દંડ ન ભરવો પડે એ માટે બહેને એ ડોગીની પોટીવાળી પ્લાસ્ટિકની થેલી ફ્રીઝરમાં જમાવીને પુરાવારૂપે સાચવી રાખી હતી. દંડ માગનારા લોકો પાસે બીજા કોઇ પુરાવા ન હોવાથી કોર્ટે એ કેસની ફાઇલ બંધ કરી દીધી છે.

(3:35 pm IST)