દેશ-વિદેશ
News of Wednesday, 12th December 2018

પતિના પ્રેમની કસોટી કરવા પત્‍નીએ જાતે દીકરાના નકલી અપહરણનો ત્રાગડો રચ્‍યો

બીજીંગ તા. ૧ર :.. ચીનના યુકિન્‍ગ શહેરમાં રહેતી ચેન નામની ૩૩ વર્ષની ચીની મહિલાએ ગયા અઠવાડીયે પોતાનો ૧૧ વર્ષનો દીકરો ખોવાઇ ગયો છે એવી ફરીયાદ નોંધાવી હતી. તેણે પોલીસને કહયું હતું કે તેનો દીકરો છેલ્લે સ્‍કુલની પાસે જોવા મળ્‍યો હતો. એ વખતે તેણે કેવા કપડાં પહેર્યા હતાં એનું પણ વર્ણન કર્યુ હતું. એ પછી બાળકનું અપહરણ થઇ ગયું હશે એવી વાત વહેતી થઇ ગઇ હતી. ચાઇનીઝ સોશ્‍યલ મીડીયા વેઇબો પર પણ આ છોકરાની તસવીરો ફરતી થઇ ગઇ હતી. તેના પરિવારે ત્‍યાં સુધીની જાહેરાત કરી હતી કે જે વ્‍યકિત તેના દીકરાને શોધી આપશે તેને પાંચ લાખ યુઆન એટલે કે લગભગ પચાસ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ઇનામની રકમને કારણે આ બાળકના કિડનેપિંગનો કેસ આખા શહેરમાં ખુબ જ હાઇ પ્રોફાઇલ થઇ ગયો હતો. બધાને ચિંતા હતી કે બાળક સાથે કંઇ ખોટું ન થઇ ગયું હોય. જો કે જયારે બાળક મળ્‍યું ત્‍યારે એક રિલેટીવની સાથે તે એકદમ સેફ હતો. પાંચ દિવસ સુધી તેની શોધખોળ ચાલી અને પોલીસ પણ બરાબર ધંધે લાગી ગઇ હતી. જો કે જયારે પોલીસે આખી વાતનું કોકડું ઉકેલ્‍યું ત્‍યારે ખબર પડી કે દીકરાની મા ચેન પહેલેથી જ ખોટું બોલતી હતી. સ્‍કુલની પાસેની દુકાનોમાં લાગેલા કેમેરાનાં ફુટેજ તપાસતાં ખબર પડી હતી કે ચેને ખુદ તેના દીકરા હુઆનને નજીકમાં ઊભેલી એક કારમાં જવા કહ્યું હતું અને એ પછી તે સીધી પોલીસમાં દીકરાની મિસીંગની ફરીયાદ લખાવવા પહોંચી હતી. હુઆન જે કારમાં હતો એનું પગેરું શોધતાં પોલીસ નજીકના ગામમાં પહોંચી હતી જયાં હુઆન તેના રિલેટીવના ઘરે આરામથી રહેતો જોવા મળ્‍યો હતો. દીકરો મળ્‍યા પછી પોલીસે મમ્‍મી ચેનની અટક કરીને પુછપરછ કરી હતી. આવી ખોટી માહિતી આપીને ખોટો ત્રાગડો ઊભો કરવાનું કારણ પોલીસે કડક થઇને પુછયું ત્‍યારે તેણે કહયું હતું કે થોડા દિવસ પહેલાં તેનો તેના પતિ સાથે ખૂબ ઝઘડો થયો હતો. એ ઝઘડા પછી તે જાણવા માગતી હતી કે પતિ તેને અને તેના દીકરાને પ્રેમ કરે છે કે નહીં...?

(1:14 pm IST)