દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

'પીનટ બટર' સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે ?

ઘણા નિષ્ણાતોનો જવાબ 'હા' છેઃ જો સ્વાદ માફક આવે તો તેમાંથી પ્રોટીન, રેસા, મીનરલ્સ અને વીટામીન પુરતા પ્રમાણમાં મળે છે

હાવર્ડઃ. પીનટ બટર સ્વાસ્થ્ય પ્રદ છે ? તેવા પ્રશ્ન પર ન્યુટ્રીશન એક્ષપર્ટોની લાંબી ચર્ચાઓ પછી ઘણા બધા નિષ્ણાંતોનો જવાબ હા છે.

રજીસ્ટર્ડ ડાયેટીશ્યન લીસા સેસન કહે છે કે તે ખરેખર આરોગ્યપ્રદ ખોરાક છે અને જો તમને તેનો સ્વાદ ફાવતો હોય તો તેને રસોડામાં ઉપયોગ કરવા માટેના ઘણા બધા કારણો છે.

હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ મેડીસીનના ન્યુટ્રીશનના પ્રોફેસર વોલ્ટર વીલેટનું માનવુ છે કે, પીનટ બટરમાં તમને પ્રોટીન, રેસા, ઘણા બધા મીનરલ્સ અને વીટામીનનું એક મોટું પેકેજ મળે છે. બે ચમચી પીનટ બટરમાં લગભગ ૭ ગ્રામ પ્રોટીન, ૧૬ ગ્રામ ચરબી અને ૨ ગ્રામ ફાઈબર મળે છે જે જરૂરીયાત પુરતા છે.

પીનટ બટરમાં ચરબી છે ?

વીલેટ કહે છે કે એવી માન્યતા ફેલાયેલી છે કે પીનટ બટરમાં ચરબીનું પ્રમાણ વધારે છે તે તંદુરસ્તી માટે હાનીકારક છે પણ સંશોધકો અને નિષ્ણાતો વિવિધ પ્રકારની ચરબી વિશે તપાસ્યા પછી કહે છે પીનટ બટરમાં મોટા ભાગે આરોગ્ય પ્રદ અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. વીલેટ કહે છે કે આ પ્રકારની ચરબી ખાવાથી લોહીમાં રહેલુ કોલેસ્ટ્રોલ ઘટે છે અને તેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. વીલેટ કહે છે કે પ્રોસેસ્ડ માંસ અને રેગ્યુલર માખણને બદલે પીનટ બટર લેવુ જોઈએ.

કેટલુ પીનટ બટર ખાવું જોઈએ ?

સેસનનું કહેવુ છે કે, એક વખતના ખાણામાં ૨ ચમચી પીનટ બટર લેવુ જોઈએ. તેમાંથી ૨૦૦ કેલેરી મળે છે. બહુ ઓછી વસ્તુઓમાં આવું વૈવિધ્ય હોય છે. તમે તેને સફરજન, કેળા જેવા ફળો પર લગાવીને, સેન્ડવીચમાં અથવા ટોસ્ટેડ બ્રેડમાં પણ ખાઈ શકો છો. (ટાઈમ હેલ્થમાંથી સોફિયા ગોટફ્રાઈડનો હેવાલ સાભાર)

(5:05 pm IST)