દેશ-વિદેશ
News of Thursday, 12th September 2019

પેરુની કંપનીએ લાકડાનું લેપટોપ બનાવ્યુ જે ૧૦થી ૧૫ વર્ષ ટકે એવુ છે

લંડન તા.૧૨: અત્યારે તો દર ચાર-પાંચ વર્ષે નવું લેપટોપ વસાવવું પડે છે. ટેકનોલોજી તો જૂની થાય જ છે, પણ સાથે એની બહારનું આવરણ પણ જૂનું થઈ જાય છે. જોકે પેરુની કૅચસ્કોસ નામની કંપનીએ લાકડાનું લેપટોપ બનાવ્યું છે જે સિંગલ બોર્ડ કમ્પ્યુટર છે. આ વુડન કેસમાં રહેલા સ્પેર પાર્ટ્સને રિપેર કરવા હોય કે અપડેટ કરવા હોય તો એ બધું સરળતાથી છૂટું પણ પડી શકે છે. એકદમ હળવા લાકડામાંથી બનેલું છે એટલે વજન પણ ઓછું છે અને સરળતાથી બેગમાં લઈને ફરી શકાય એવું પોર્ટબલ છે. કંપનીએ એને નામ આપ્યું છે વેવલેપટોપ. એની કિંમત ૭૯૯ પેરુવિયન સોલ એટલે કે ૧૬,૮૦૦ રૂપિયા છે. કમ્પ્યુટર એન્જિનિયર જેવિયર કૅરાસ્કોનું કહેવું છે કે ઓરિજિનલી આ લેપટોપ તો ૨૦૧૫માં બન્યું હતું, પરંતુ એનું નવું વર્ઝન રિસાઇકલેબલ છે અને ફાઇબર બોર્ડનું બન્યું છે જેમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પણ સેટ થઈ ગઈ હોવાથી હવે માર્કેટમાં વેચાવા માટે નીકળ્યું છે. જોકે એની અંદરના કમ્પોનન્ટ્સ તમે ઇચ્છો ત્યારે અપગ્રેડ કરી શકો છો અને એ માટે આખું લેપટૉપ ચેન્જ કરવાની જરૂર નથી. કંપનીનો તો અત્યારે દાવો છે કે એની લાકડાની ડિઝાઇન કદી ખરાબ થાય એવી નથી.

(3:56 pm IST)