દેશ-વિદેશ
News of Monday, 12th August 2019

ઉઠીને પરીક્ષા આપવા જવામાં આનાકાની કરતાં દાદીમાએ પોલીસ બોલાવી, પોલીસ છોકરાને ઉઠાડીને સ્કૂલ મૂકી આવી

બેંગકોક તા. ૧ર :.. સામાન્ય રીતે કોઇ ગુનો કે હાદસો થાય ત્યારે પોલીસને બોલાવવામાં આવે છે, પણ થાઇલેન્ડમાં એક બહેને પોતાનો પૌત્ર પરીક્ષાના દિવસે ઊઠી રહ્યો ન હોવાથી પોલીસને ફોન કરી દીધો. બેન્ગકોકમાં દાદી સાથે રહેતા આ છોકરની શુક્રવારે પરીક્ષા હતી. દાદી તેને સ્કુલે જવા માટે કયાંય સુધી ઉઠાડતી રહી, પણ ભાઇસાહેબ ટસના મસ ન થયા. દાદીએ પહેલાં તો ધમકી આપી કે જો નહીં ઊઠે તો પોલીસને બોલાવીશ તોય તેના પેટનંુ પાણી ન હાલ્યું અને તે સૂતો જ રહ્યો. આખરે થાકીને દાદીએ ખરેખર ફોન કરીને પોલીસને જાણ કરી. નવાઇની વાત એ છે કે પોલીસવાળો ઘરે પણ આવ્યો. તેને જોઇને અડધો ડરેલો છોકરો ઊઠી ગયો. તેણે સમજાવ્યું કે આ ઉંમરે ભણવું બહુ જરૂરી છે. એટલે તે માની ગયો. દાદીએ દીકરાને તૈયાર કર્યો ત્યાં સુધી પોલીસવાળો ઘરે બેસી રહયો અને તૈયાર થયા પછી છોકરાને સ્કુટર પર બેસાડીને સ્કુલ સુધી છોડી આવ્યો. થાઇલેન્ડ પોલીસે પોતાના ઓફિશ્યલ ફેસબુક પેજ પર આ ઘટના શેર કરી હતી.

(3:35 pm IST)