દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

ચોમાસામાં કરો આ યોગાસનઃ શરીર રહેશે તંદુરસ્ત

યોગ નિષ્ણાંતનું માર્ગદર્શન લઈ કરો યોગાસન, મેળવો અનેક રોગોથી છુટકારો

ચોમાસામાં શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગાસન કરવુ જરૂરી છે. કોઈ પણ યોગાસન યોગ નિષ્ણાંતનું માર્ગદર્શન લઈને કરો અને યોગ કરવાની સાચી રીત અને સમય સાથે કેટલી જરૂર છે, એ જાણ્યા બાદ કરો. તો જાણી લો કે કયા યોગાસન કરવાથી શું ફાયદો થાય છે.

શીતલી પ્રાણાયમ

શીતલી પ્રાણાયમ શરીરને ઠંડુ રાખવાની સાથે મનને શાંત રાખે છે. તેનાથી તંત્રિકા તંત્રની કામ કરવાની ક્ષમતા યોગ્ય રહે છે. આ યોગાસન નિયમીત કરવાથી પાચન તંત્ર બરાબર રહે છે. ભૂખ નિયંત્રીત થાય છે. તે બ્લડ પ્રેશર અને પેટની એસીડીટી ઓછી કરવામાં મદદરૂપ છે.

ચેતવણી : લો બ્લડ પ્રેશર સાથે અસ્થમા, બ્રોંકાઈટીસ છે તો આ પ્રાણાયમ ન કરવું. હૃદય રોગીએ તેને કરતી વખતે શ્વાસ રોકવો નહિં. લાંબા સમયની કબજીયાત હોય તો આ યોગાસન ન કરવુ જોઈએ.

હસ્તપાદાસન

આ આસન નિયમીત કરવાથી મોટાપો નિયંત્રીત થાય છે. પેટ અને પાચનતંત્ર બરાબર રહે છે અને શરીર સુડોળ રહેવાની સાથે માંસપેશીઓ મજબૂત બને છે. શરીરમાં કસાવ આવવાની સાથે ત્વચાની સુંદરતા પણ વધે છે. તમે દિવસમાં ઓછામાં ઓછુ ૫ થી ૬ વાર હસ્તપાદાસન કરી શકો છો.

ચેતવણી : જેને કરોડરજ્જુનું ઓપરેશન કરેલ છે અથવા કરોડરજ્જુ સાથે હર્નિયા, હૃદય, હાઈ બ્લડપ્રેશર, અલ્સર સંબંધી રોગના દર્દીઓએ આ યોગાસન ન કરવુ જોઈએ. જે લોકોને ચક્કર આવે છે તેને યોગ નિષ્ણાંતની સલાહ લીધા વગર આ આસન ન કરવુ જોઈએ.

મત્સ્યાસન

આ આસનને ૩ થી ૪ વાર કરવુ જોઈએ. પેટ, કમરદર્દ, થાઈરોઈડ, ડાયાબીડીસ, શ્વાસના રોગોમાં આરામ મળે છે. ગર્ભાશય, જનનાંગોમાં થતી તકલીફથી બચાવે છે. પેટ તથા ગરદનની ચરબીને ઓછી કરે છે.

ચેતવણી : ગોંઠણમાં દુઃખાવો, હાઈ બ્લડ પ્રેશર, સ્લિપ ડિસ્ક, કરોડરજ્જુ, છાતી અને ગળામાં દર્દની સાથે માઈગ્રેન અને અનિંદ્રા છે તો આ યોગાસન ન કરવુ. જો કોઈ બીમારીની દવા ચાલુ છે તો યોગ નિષ્ણાંતની સલાહ લેવી.

ભુજંગાસન

ભુજંગાસન કરવાથી કરોડરજ્જુના હાડકા મજબૂત થાય છે. છાતી, ફેંફસા, ખંભા અને પેટમાં ખેંચાણ આવે છે. તેને નિયમીત કરવાથી માંસપેશીઓને મજબૂતી મળે છે. તનાવ અને થાકમાં ફાયદાકારક છે. અસ્થમાના દર્દી આ યોગાસન નિયમીત કરે તો તેને ફાયદો મળી શકે છે.

ચેતવણી : પીઠનું જૂનો દુઃખાવો અને માથાનો દુઃખવો હોય તો આ યોગાસન ન કરવુ જોઈએ. બ્રેન સર્જરી વાળા દર્દીએ ડૉકટરની સલાહ લીધા વગર આ યોગાસન ન કરવુ જોઈએ. તેનાથી સમસ્યા વધી શકે છે.

 

(9:44 am IST)