દેશ-વિદેશ
News of Monday, 12th April 2021

યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયાએ રોબોટિક ટેન્કની ટુકડીઓને ઉતારવાની જાહેરાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: યુક્રેન સાથેના તનાવની વચ્ચે રશિયાએ હવે રોબોટિક ટેન્કની ટુકડીઓને ઉતારવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. યુરન-9 નામની આ ટેન્કને ચલાવવા માટે માણસની જરુર પડતી નથી.કેમેરા અને આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ સિસ્ટમથી સજ્જ ટેન્ક જાતે જ ટાર્ગેટ ટ્રેક કરી શકે છે.ત્રણ કિલોમીટર દુરથી તેનુ સંચાલન કરનાર જવાન તેને ફાયરિંગનો ઓર્ડર પણ રિમોટ કંટ્રોલથી આપે છે.તેને 30 મીમીની ઓટોમેટિક ગન, એન્ટી ટેન્ક મિસાઈલ અને ફ્લેમ થ્રોઅર જેવા હથિયારોથી સજ્જ કરવામાં આવી છે. આ ટેન્કનુ નિર્માણ મોસ્ક પાસે થાય છે અને રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુરન-9 ટેન્કની પાંચ ટુકડીઓને બહુ જલ્દી તૈનાત કરાવની જાહેરાત કરી છે.તેના સંચાલન માટે સૈનિકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.રશિયા છેલ્લા બે વર્ષથી પોતાની પરેડમાં આ ઘાતક ટેન્કનુ પ્રદર્શન કરતુ આવ્યુ છે. દરમિયાન યુક્રેન બોર્ડર પર વધતા તનાવની વચ્ચે અમેરિકાની સાથે નાટો સંગઠનના બીજા દેશો પણ યુક્રેનની તરફેણમાં આવ્યા છે.જોકે અન્ય દેશોના દબાણને નહીં ગણકારીને રશિયાએ યુક્રેનની બોર્ડર પર સૈનિકો અને શસ્ત્રોનો જંગી જમાવડો કરવાનુ ચાલુ જ રાખ્યુ છે.જેના કારણે ગમે ત્યારે યુધ્ધ ફાટી નીકળે તેવી દહેશત પણ ઉભી થઈ છે.

(6:12 pm IST)