દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

ઘરમાં ૧૦,૦૦૦ મધમાખી પાળવા બદલ ચીનના યુગલને થયો ૭૦૦૦ રૂપિયાનો દંડ

બીજીંગ તા.૧૨: ચીનના ઝિયાન્ગ પ્રાંતના નિન્ગબો શહેરમાં એક હાઇરાઇજ બિલ્ડીંગમાં રહેતા યુગલે ઘરમાં જ મધમાખી પાળવાનું શરૂ કરેલું. વાત એમ હતી કે દંપતીને રૂમેટોઇડ આર્થાઇટિસની તકલીફ હતી અને કોઇકે તેમને સૂચવેલું કે મધમાખીના ડંખથી પીડામાં રાહત થાય છે. આ જ કારણસર થોડા મહિનાઓ પહેલાં તેમણે મુઠ્ઠીભર મધમાખીઓ ઘરમાં રાખી હતી જેથી નિયમિતપણે ડંખ લેવામાં સરળતા રહે. જો કે મધમાનીઓ પ્રજનન દ્વારા સંખ્યામાં વધતી જ ગઇ અને જોતજોતામાં મધમાખીઓની સંખ્યા ૧૦,૦૦૦થી વધુ થઇ ગઇ. દંપતીએ મધમાખીને રાખવામાટે મધમાખી ઉછેરકો દ્વારા વપરાતી લાકડાની પેટી પણ વસાવી લીધેલી. જો કે આ એ દિન બેકાબુ બણબણતી મધમાખીઓ પાડોશીઓના ઘરમાં પણ ઘૂસી જવા લાગી. પાડોશીઓએ તેમને ફરિયાદ કરી તો દંપતીએ સામો જવાબ આપ્યો કે જો તમને એ ડંખશે તોય કશું નુકસાન નથી થવાનું. પાડોશીઓએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી દીધી અને મધમાખીઓ ઘરમાં પાળવા સામે વિરોધ નોંધાવ્યો. આખરે દંપતીએ પાડોશીઓને કનડગત કરવા બદલ ૭૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડયો અને ઘરમાં રાખેલા મધપુડાને તેમણે ગાર્ડનમાં શિફટ કરવાનું સ્વીકાર્યું.

(9:32 am IST)