દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

બિમાર હોય ત્યારે કસરત કરી શકાય?

શરદી ફલુથી બચવા માંગો છો? રોજીંદી કસરત રોગપ્રતિકારક શકિત વધારવાનો સરળ રસ્તો છે

જો તમે તમારી જાતને શરદી અને ફલુથી બચાવવા ઇચ્છતા હો તો રોજીંદી કસરત તમારી રોગ પ્રતિકારક શકિત વધારવાનો સરળ માર્ગ બની શકે છે. અભ્યાસોમાં એવું જણાવાયું છે કે રોજની ૩૦ થી ૪૫ મીનીટની સાદી એરોબીક કસરત જેમ કે ચાલવું, દોડવું બાઇકીંગ વગેરેના કારણે તમારા શ્વસન તંત્ર અને સામાન્ય શિયાળુ તકલીફોનું જોખમ પ૦ ટકા સુધી ઘટે છે.

વિસ્કોન્સીન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડીસીન એન્ડ પબ્લીક હેલ્થમાં ફેમીલી મેડીસીનના પ્રોફેસર ડો. બ્રુસ બેરેટ કહે છે કે બહુ ભારે કસરત જેમ કે મેરેથોનમાં દોડવું તમારી રોગપ્રતિકારક શીકતને થોડી દબાવે છે. પણ સામાન્ય રીતે, માંદગી સામે રક્ષણ મેળવવામાં રોજીંદી સામાન્ય કસરતો મદદરૂપ થાય છે.

એપ્પાલાચીયન યુનિવર્સિટીની હ્યુમન પર્ફોર્મન્સ લેબના ડાયરેકટર ડેવીડ નાઇમેન કહે છે કે રોગપ્રતિકારક શકિતને પોતાનું કામ સારી રીતે કરવા માટે પ્રવૃતિ જરૂરી છે. જેટલીવાર તમે કસરત કરો છો ત્યારે ત્યારે તમારા અગત્યના રોગ પ્રતિકારક કોષોનું સર્કયુલેશન વધે છે. પણ જયારે તમને કોઇ વાઇરલ ઇફેકટ હોય ત્યારે તે સલાહભર્યું નથી. તેમણે કહયું કે સામાન્ય શરદીની અસર હોય ત્યારે સાદી કસરતની કોઇ અસર નથી થતી.

નાઇમેનના કહેવા અનુસાર, ૧૯૪૦માં પોલીયો ઉપર થયેલા અભ્યાસના તારણોમાં જાણવા મળ્યું હતું કે ફુટબોલ જેવી સખ્ત રમતો રમતા ખેલાડીઓ ઉપર પોલીયોની વધારે ગંભીર અસરો જોવા મળી હતી. એટલે જ અત્યારે પણ ઘણા ખેલાડીઓ સામાન્ય તાવ હોય તો તે દિવસે રમવાનું ટાળે છે. ઘણાં નિષ્ણાંતો કહે છે કે ફલુ કે તાવની અસર હોય ત્યારે કસરત ન કરવી જોઇએ.(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર) (૧.૨૭)

(3:34 pm IST)