દેશ-વિદેશ
News of Saturday, 12th January 2019

કબરમાંથી 18 વર્ષની યુવતીની લાશ કાઢી કર્યા 'ભુતિયા લગ્ન' :મચ્યો હોબાળો;ચીનનો કિસ્સો

લગ્ન પહેલા જો કોઈ યુવક કે યુવતીનું મોત થાય તો આ રીતે કરાઈ છે લગ્ન ; પરંપરા પર મુક્યો છે પ્રતિબંધ

ચીનમાં એક  વ્યક્તિએ 18 વર્ષની યુવતીની ડેડબોડી સાથે લગ્ન કર્યાની ઘટના બનતા હોબાળો મચી ગયો છે. આવી ઘટના વારંવાર બનતી હતી તેના કારણે ચીન સરકારએ આ પરંપરા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ તેમ છતાં તાજેતરમાં 18 વર્ષની એક યુવતીની લાશ કબરમાંથી ચોરી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

  મીડિયા રિપોર્ટસ અનુસાર હેબઈ પ્રોવિન્સમાં 18 વર્ષની યુવતીની ડેડબોડી કાઢી તેની સાથે લગ્ન કર્યાનો બનાવ બન્યો છે. આ યુવતીની કબર પાસેથી થોડો સામાન પણ મળી આવ્યો છે.પોલીસ લાશ ચોરી કરનાર લોકોની શોધ કરી રહી છે.

   યુવતીના પરીવારના સભ્યોનું જણાવવું છે કે તેના ઘરે કેટલાક લોકો આવ્યા હતા અને ડેડ બોડીના બદલે સારી એવી રકમ ઓફર કરી હતી. પરંતુ પરીવારના સભ્યોએ તેમને ડેડી બોડી વેંચવાની ના કહી દીધી હતી. ચીનમાં લાશ ચોરી થવાની આ પહેલી ઘટના નથી.

  વર્ષ 2014માં 14 મહિલાઓના મૃતદેહ લગ્ન કરવા માટે ચોરી થયા હતા. સરકારએ આવું કામ કરનાર વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો છે. આ કામ કરનારને 3 વર્ષ સુધીની સજા અને દંડ ફટકારવાની જોગવાઈ પણ છે પરંતુ તેમ છતા લોકો આ પ્રકારની હરકતો કરે છે.

  મૃતદેહ સાથે લગ્ન કરવાની આ પરંપરા પાછળ 3000 વર્ષ જૂની માન્યતા છે. લગ્ન પહેલા જો કોઈ યુવક કે યુવતીનું મોત થઈ જાય તો તેના લગ્ન આ રીતે કરાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે કોઈ યુવકનું મોત લગ્ન કર્યા વિના થઈ જાય તો તેઓ તેની આત્માની શાંતિ માટે તેના લગ્ન કોઈ યુવતીની લાશ સાથે કરાવે છે. આ પ્રકારના ભૂતિયા લગ્ન માટે લોકો કબ્રસ્તાનમાંથી ડેડ બોડીની ચોરી કરે છે.

(1:33 pm IST)