દેશ-વિદેશ
News of Wednesday, 11th November 2020

શિયાળામાં વધુ પ્રમાણમાં આદુવાળી ચા પીતા હોવ તો ચેતી જજોઃ દિવસમાં ૫ ગ્રામથી વધુ આદુનું સેવન હાનિકારક

રાજકોટૅં શિયાળાની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે આ ૪ મહિનામાં મોટાભાગે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. જોકે શિયાળાની સીઝનમાં જેની કફ પ્રકૃતિ હોય તેના માટે આદુવાળી ચા ફાયદાકારક રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત અને વધુ માત્રામાં આદુવાળી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. આદુ ચાનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે. તેથી, જો તમે આદુ ચાના શોખીન છો, આટલું જાણી લેજો.

શિયાળામાં મોટાભાગના લોકો આદુવાળી ચા પીવે છે,પણ વધુ પ્રમાણમાં આદુ નાખેલી ચા પીવાથી થાય છે ગંભીર નુકસાન.કોઈએ પણ દિવસમાં ૫ ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો એક કપ ચામાં અડધી ચમચી આદુ દ્યણું હોય છે.

પ્રેગનેન્ટ મહિલાઓએ તો વધુ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે આખા દિવસમાં ૨.૫ ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ. આમ તો પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ ચા જ ન પીવી જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી થવાનો ખતરો રહે છે.

જો તમને પાચન સંબંધી સમસ્યા છે તો તમારે આખા દિવસમાં ૧.૨ ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ. આદુના વધારે સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

ખાલી પેટ આદુવાળી ચા ભૂલથી પણ ન પીવી જોઈએ, કારણ કે આવું કરવાથી પેટ ખરાબ થઈ શકે છે.

આદુવાળી ચાનું વધારે સેવન બેચેની અને ઊંદ્ય ન આવવાનું કારણ પણ બની શકે છે. એટલે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ. એ સિવાય વધારે આદુના સેવનથી બ્લડ શુગરનું સ્તર પણ ઓછું થઈ શકે છે. ચામાં વધારે આદુ નાખવામાં આવે તો એ ચા પીવાથી પેટમાં બળતરા થાય છે.

(3:05 pm IST)