દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

ઇરાનને મોટો ક્રુડ ઓઇલનો જથ્થો મળ્યો

અમેરીકાએ લગાવેલ અનેક પ્રતિબંધો વચ્ચે : સરકાર દ્વારા શોધ ઇરાનના નાગરીકોને ભેટઃ રૂહાની

તેહરાનઃ  તા.૧૧, ઇરાને દાવો કર્યો છે કે તેની તપાસમાં ૫૩ બિલિયન એટલે કે આશરે ૫૩૦૦ કરોડ બેરલ ક્રૂડ ઓઇલ જેટલો જથ્થો ભૂગર્ભમાં મળી આવ્યો છે. આ શોધથી ઇરાનની આર્થીક પરિસ્થિતિમાં સુધારો આવવાની શકયતાઓ છે.

આશરે ૨૪૦૦ સ્કવેર કિમીમાં પથરાયેલી જગ્યાએ આ ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે. જેને પગલે હવે તેને રિફાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને અંતે તેને માર્કેટમાં વેચવા મુકવામાં આવશે જેનાથી ઇરાનને કરોડોની કમાણી થશે.

 ઇરાનના પ્રમુખ હસન રોહાનીએ એક ટીવી ચેનલને જણાવતા આ જાહેરાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે ખુઝેસ્તાનમાં ૫૩ બિલિયન બેરલ જેટલુ ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે,

 અમેરિકા ઇરાન પર અનેક પ્રતિબંધો લગાવી આર્થીક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે તેમ છતા તેની સ્થિતિ સુધરી રહી છે. અમે આજે અમેરિકાને કહેવા માગીએ છીએ કે તમારી અનેક ધાકધમકીઓ અને કાવતરા છતા અમે આજે એક ધનવાન દેશ બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.

 રોહાનીએ સાથે જણાવ્યું હતું કે જે શોધ સરકાર દ્વારા કરવામાં આવી છે તે ઇરાનના નાગરીકોને અમારા તરફથી એક મોટી ભેટ છે. આ સંશોધનથી જે ક્રૂડ ઓઇલની નિકાસ કરનારા દેશો છે તેના કુલ જથ્થામાં ૩૫ ટકાનો વધારો થશે. ઇરાન પણ આ દેશોનું સભ્ય છે.  જોકે એ જોવાનું પણ રહ્યું કે ઇરાન આ ક્રૂડ ઓઇલનો લાભ કેટલો લઇ શકે છે અને તેનાથી આર્થીક રીતે કેટલો ફાયદો મેળવી શકે છે. કેમ કે અમેરિકાએ ઇરાનનું ઓઇલ કોઇ પણ દેશ ન ખરીદે તેવી ચેતવણી આપી દીધી છે. જેને પગલે ભારત સહીતના અનેક દેશોએ ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવંુ પડયું છે.  આ પરિસ્થિતિમાં અનેક પ્રતિબંધો વચ્ચે પણ ઇરાન જે નવુ ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે તેની નિકાસ અન્ય દેશોમાં કેવી રીતે કરશે તેને લઇને પણ અસમંજસ જેવી સ્થિતિ છે. જોકે ક્રૂડ ઓઇલનો જથ્થો સ્ટોર કરીને પણ રાખી શકે છે જેનો ઉપયોગ તે આવનારા દિવસોમાં કરી શકે છે.

(3:35 pm IST)