દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

આપણી જાત ઉપર વિશ્વાસ રાખતા શીખીએ તો કોઇપણ દુઃખમાંથી બહાર નીકળી શકાયઃ અમેરિકાની સત્ય ઘટના

અમેરિકાની આ એક સત્ય ઘટના છે. એક યુવકને વેપારમાં બહુ નુકસાન ગયું. તેના ઉપર ઘણું બધું કરજ થઇ ગયું. પોતાની તમામ જમીન જાયદાદ તેણે ગીરવી મુકવી પડી. મિત્રોએ પણ મોઢું ફેરવી લીધું હતું. તે બહુ હતાશ થઇ ગયો હતો. કયાંય કોઇ રસ્તો તેને નહોતો સુઝતો.

એક દિવસ તે એક બાગમાં બેઠો બેઠો પોતાની હાલત પર ચિંતા કરી રહ્યો હતો. ત્યાં એક બુઝુર્ગ વ્યકિત ત્યાં આવી પહોંચી, કપડા અને દેખાવથી તે બહુ અમીર હોય તેવું લાગતું હતું. તેમણે યુવાનને ચિંતાનું કારણ પુછયું તો તેણે પોતાની વિતકકથા સંભાળવી.

બુઝુર્ગે કહ્યું, ''ચિંતા ન કર. મારૃં નામ જોન ડી. રોકફેલર છે. હું તને નથી ઓળખાતો પણ તું મને સાચો અને ઇમાનદાર લાગે છે.એટલે હું તને દસ લાખ ડોલરની લોન આપવા તૈયાર છું.'' પછી ખિસ્સામાંથી ચેક બુક કાઢીને તેમણે રકમ લખીને સહી કરીને ચેક યુવાનને આપતા કહ્યું, ''યુવાન, આજથી બરાબર એક વર્ષ પછી આપણે ફરી આ જગ્યાએ મળશું, ત્યારે તું આ રકમ પાછી આપી દેજે.'' આટલું કહીને તે ચાલ્યા ગયા. યુવક આશ્ચર્યચકિત હતો. કેમકે રોકફેલર ત્યારે અમેરિકાની સૌથી ધનિક વ્યકિતઓમાંથી એક હતા.

યુવકને વિશ્વાસ નહોતો થતો કે તેની બધી પરેશાનીઓ દુર થઇ ગઇ હતી. ઘરે પહોંચીને તે પોતાના કર્જનો હિસાબ કરવા માંડયો. ર૦મી સદીની શરૂઆતમાં ૧૦ લાખ ડોલર બહુ મોટી રકમ ગણાતી હતી. અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે એક અજાણી વ્યકિતએ મારા પર ભરોસો કર્યો, પણ હું પોતે મારા પર વિશ્વાસ નથી મુકતો. આવો વિચાર આવતા તેણે ચેકને સાચવીને મુકી દીધો અને નિશ્ચય કર્યો કે પહેલા હું મારી રીતે પુરતા પ્રયત્ન કરીશ. આ મુસીબતમાંથી નિકળવા માટે બનતી મહેનત કરીશ. પછી પણ જો કોઇ રસ્તો નહીં નિકળે તો આ ચેકનો ઉપયોગ કરીશ.

તે દિવસ પછી તે યુવક નિષ્ઠાપુર્વક કામે લાગી ગયો. બસ એકજ ધૂન હતી કે ગમે તેમ કરીને બધું દેવું ચુકવીને ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવી છે. તેના પ્રયત્નો રંગ લાવવા લાગ્યા. ધંધો ફરીથી જામવા લાગ્યો, દેવું ચુકવાતું ગયું. એક વર્ષ પછી તો તે પહેલા કરતા પણ વધુ સારી સ્થિતિમાં આવી ગયો.

નકકી કરેલા દિવસે, બરાબર તે જ સમયે તે બગીચામાં પહોંચી ગયો. તે ચેક લઇને રોકફેલરની રાહ જોઇ રહ્યો હતો ત્યાં જ તે આવતા દેખાયા. જયારે તે નજીક આવ્યા તો તેણે નમ્રતાપૂર્વક તેમનું અભિવાદન કર્યું. તેમના તરફ ચેક લંબાવીને કંઇક કહેવા તેણે મોઢું ખોલ્યું જ હતું ત્યાં એક નર્સ દોડતી આવી અને તે વૃધ્ધને પકડી લીધા. યુવાન તો હકકો બકકો થઇ ગયો. ત્યાં જ નર્સ બોલી, 'આ ગાંડો અવાર નવાર પાગલખાનામાંથી ભાગી છૂટે છે અને લોકોને જોન ડી. રોકફેલરનું નામ આપીને ચેક આપતો ફરે છે.

હવે તે યુવક પહેલા કરતા પણ આશ્ચર્ય ચકિત થઇ ગયો જે ચેકના જોર ઉપર તેણે પોતાનો ડૂબતો ધંધો ફરીથી ઉભો કર્યો   હતો   તે તો ખોટો હતો.

પણ એક વાત જરૂર સાબિત થઇ કે ખરેખર જીત આપણા ઇરાદા, હોંસલા અને પ્રયત્નથી જ થાય છે. આપણે બધા જો પોતાની જાત પર વિશ્વાસ રાખીએ તો કોઇપણ પરિસ્થિતિ અને દુઃખમાંથી બહાર નીકળી શકીએ છીએ.

એટલે જ હંમેશા હસતા રહો, તો જીંદગી પણ તમને પરેશાન કરતા થાકી જશે. (સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(3:30 pm IST)