દેશ-વિદેશ
News of Friday, 11th September 2020

કોર્ટે ૨ વર્ષના દીકરાનો ઉછેર ૨૨ વર્ષની બહેનને સોંપ્યો

મા-બાપ પોતે સક્ષમ ન હોવાથી કોર્ટે બે વર્ષના દીકરાનો ઉછેર બહેનને સોંપ્યો

બીજીંગ,તા.૧૧: ચીનમાં એક યુગલે તેમના બે વર્ષના દીકરાનો ઉછેર કરવામાં પોતે અસમર્થ હોવાથી ભાઈના ઉછેર માટે તેમની દીકરીને કોર્ટમાં ઢસડી છે.

વાત એમ છે કે વર્ષોથી દીકરીની આવક પર ગુજરાન ચલાવતા એક યુગલે તેમનું બીજું સંતાન લાવવાનો નિર્ણય લીધો. જોકે ટૂંક સમયમાં જ તેમને સમજાઈ ગયું કે આ તેમના ગજા બહારની વાત છે. યુગલે તેમની પુત્રીને ભાઈનો ઉછેર કરવાની જવાબદારી સોંપી. સોશ્યલ મીડિયા પર લે લેના નામથી ઓળખાતી આ યુવતી કોલેજકાળથી પોતાનો અને માતાપિતાનો ખર્ચ ઉઠાવતી હતી અને હવે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માગતી હોવાથી તેણે જવાબદારી ઉઠાવવાની ના પાડી દીધી હતી. માતાપિતા દીકરીને કોર્ટમાં ઢસડી ગયાં, જયાં કોર્ટે પણ ભાઈના ઉછેરની જવાબદારી તેની બહેનના માથે નાખી દીધી.

ચીનના કાયદા મુજબ જો માતાપિતા મૃત્યુ પામ્યાં હોય કે તેમના સગીર બાળકનું ભરણપોષણ કરવા અક્ષમ હોય તો પુખ્ત બાળકોએ તેમનાં ભાઈ-બહેનની જવાબદારી ઉઠાવવાની હોય છે.

ચાઇનીઝ સોશ્યલ મીડિયા વેઇબો પર લાખો લોકો આ કિસ્સા પર ચર્ચા કરવા મંડી પડ્યા છે. લગભગ દરેક વ્યકિત આ યુવતી પ્રત્યે સહાનુભૂતિભર્યો મત વ્યકત કરી રહ્યા છે. કેટલાકે તો તેનાં માબાપને વણમાગી સલાહ આપી દીધી હતી કે ૨૧ વર્ષની દીકરી થયા પછી જો તમે બાળક પ્લાન કરતાં હો અને તમે પોતાનો ખર્ચ ઉઠાવી ન શકતાં હો તો એટ લીસ્ટ માબાપે કાં તો કામધંધો કરવાનું શીખી લેવું જોઈતું હતું અથવા તો બાળક માટે દીકરીની પરવાનગી લેવી જોઈતી હતી.

(11:40 am IST)