દેશ-વિદેશ
News of Wednesday, 11th September 2019

બેન્કની ભૂલથી યુગલના ખાતામાં ૮૬ લાખ રૂપિયા આવ્યા, બન્નેએ ૭૭ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

ન્યુયોર્ક,તા.૧૧: ઘણી વાર બેન્કની ભૂલને કારણે કોઈકના પૈસા કયાંક ટ્રાન્સફર થઈ જતા હોય છે. જોકે આવા કેસમાં ભલે ગમેએટલો જેકપોટ લાગે, એ પૈસાને વાપરવાનો વિચાર ઠીક નથી. જોકે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજયના ર્માન્ટર્સવિલ ટાઉનમાં રહેતા રોબર્ટ અને ટિફની વિલિયમ્સ નામના યુગલે બેન્કની ભૂલનો મસ્ત લાભ લઈ લીધો અને પૈસા વાપરી નાખ્યા. જોકે હવે યુગલ ફસાયું છે. બેન્કે તેમની પર ચોરીનો આરોપ લગાવ્યો છે. વાત એ છે કે કર્મચારીની ભૂલને કારણે તેમના ખાતામાં ૧,૨૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૮૬ લાખ રૂપિયા ટ્રાન્સફર થઈને આવી ગયા. આ પૈસા જોઈને એ કયાંથી આવ્યા એ વિચારવાને બદલે તેમણે તો ખર્ચો માંડી દીધો. આ પૈસાથી તેમણે એસયુવી, બે કાર અને એક કાર ટ્રેલર ખરીદી લીધું અને તેમના દોસ્તોને લગભગ આઠ-દસ લાખ રૂપિયાની લોન પણ આપી દીધી. જયારે બેન્કે તેમનો સંપર્ક કરીને પૈસા પાછા ટ્રાન્સફર કરવા કહ્યું તો તેમણે તો અકાઉન્ટ ખાલીખમ થઈ ગયો છે એમ કહીને હાથ ઊંચા કરી દીધા. લગભગ ૭૭ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાથી હવે તેઓ બધા પૈસા તો પાછા આપી શકે એમ નથી પણ તેમણે બેન્કને કટકે-કટકે રિપેમેન્ટ કરવાની તેયારી બતાવી છે. જોકે એ પછી બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ. બે મહિના બાદ બેન્કે ડાયરેકટ કોર્ટમાં કેસ કરીને બન્નેને ચોરીના આરોપમાં સળિયા પાછળ કરી દીધા. યુગલને જેલમાંથી જમાનત પર છૂટવા માટે પણ ૧૮ લાખ રૂપિયા આપવા પડ્યા. હવે કેટલા વ્યાજ સાથે તેમણે વાપરેલી રકમ પાછી આપવી પડશે એનો ચુકાદો હવે કોર્ટ જ કરશે.

(3:21 pm IST)