દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

જીવતા ઉંદર પર ઊગ્યો સોયાબીનનો છોડ

મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના નાયન ગામમાં દાતાર સિંહ નામના ખેડૂતને બુધવારે અજીબ દ્રશ્ય જોવા મળ્યું. તેણે ૪૦ દિવસ પહેલાં પોતાના ખેતરમાં સોયાબીનની વાવણી કરી હતી. હાલમાં તે જંતુનાશક દવા છાંટવા માટે ખેતરના ખુણેખુણે ફરી રહયો હતો ત્યારે એક ઉંદર જોવા મળ્યો. તેણે પૂંછડીથી ઉંદરને હટાવવાની કોશિશ કરી પણ ઉંદર જમીન સાથે ચોંટી ગયો હોય એવું લાગ્યું. તેણે વધુ નજીક જઇને જોયું તો ઉંદરના કાનની પાસેથી સોયાબીનનો છોડ ઊગેલો દેખાતો હતો અને એનો બીજો છેડો ઉંદરના શરીરમાં આરપાર થઇને જમીનમાં મૂળિયા ધરાવતો હતો. દાતાસિંહને બહુ નવાઇ લાગી એટલે તેણે આજુબાજુના ખેતરમાંથી લોકોને એ જોવા માટે બોલાવ્યા. કેટલાકે ઉંદરનો વિડીયો લીધો. એમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સોયાબીનનો લાંબો છોડ ઉંદરના કાનમાંથી બહાર આવી રહયો છે, મુળ જમીનમાં હોવાથી ઉંદર હલનચલન કરી શકતો નથી. એ વિસ્તારના કૃષિ-વિશેષજ્ઞોનું કહેવું છે કે બની શકે કે ખેતરમાં જયારે વાવણી થઇ રહી હોય ત્યારે આ ઉંદર જમીનમાં ખૂંપી ગયો હશે. બીજ અંકુરિત થઇને ફુટયું અને છોડ થઇને બહાર નીકળ્યું ત્યાં સુધી જમીનમાં અડધા દટાયેલા રહેવાને કારણે ઉંદર હલી નહીં શકયો હોય. જો પાણી મળતુ રહે તો ઉંદર ૩૦-૪૦ દિવસ સુધી જીવિત રહી શકે છે. હાલમાં દાતારસિંહએ ઉંદરને સોયાબીનના છોડ અને માટી સહિત ઉખાડીને ઘરમાં લઇ આવ્યા છે.(૧.૧૯)

(3:45 pm IST)