દેશ-વિદેશ
News of Saturday, 11th May 2019

અમેરીકામાં રસી મુકાવ્યા વગર સ્કૂલમાં આવવા પર પ્રતિબંધઃ એક વિદ્યાર્થીએ શાળા સામે કર્યો હતો કેસઃ હવે તે વિદ્યાર્થીને જ અછબડા નીકળ્યા

રસી મુકાવ્યા વગરના વિદ્યાર્થીને શાળામાં આવવા પર પ્રતિબંધ મુકવા સામે કેન્ટુકીના એક વિદ્યાર્થીએ ગયા મહીને શાળા સામે કેસ કર્યો હતો. સમાચાર અનુસાર અત્યારે તેને અછબડા થાય છે.

બીબીસી અનુસાર ઉત્તર કેન્ટુકીના આરોગ્ય વિભાગે ૩૨ વિદ્યાર્થીઓને અછબડા થયા પછી રસી ન મુકાવનાર વિદ્યાર્થીઓને ઘરે રહેવાના આદેશ આપ્યા હતા. તેની વિરૂધ્ધમાં જેરોમ કુન્કેલ નામના ૧૮ વર્ષના વિદ્યાર્થીએ પોતાની હાઇસ્કુલ સામે કેસ કર્યો હતો. કુન્કેલે રસી નહોતી મુકાવી તેથી આ પ્રતિબંધના ભાગરૂપે તેને બાસ્કેટ બોલ રમતા રોકવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીના વકીલની દલીલ હતી કે રસી અનૈતિક, ગેરકાયદેસર અને પાપમુકત છે. જોકે એપ્રિલમાં કોર્ટે તેનો કેસ કાઢી નાખ્યો હતો. વિદ્યાર્થીના પિતાનું કહેવુ હતું કે આ રસી ખરાબ થયેલા ભ્રૂણના કોષોમાંથી બનતી હોવાથી તે આ રસીનો વિરોધી છે.

૨૦૧૭માં કેથોલિક ચર્ચે એક સ્ટેટમેન્ટ બહાર પાડયુ હતું જેમાં કહેવાયું હતું કે રસી નૈતિક રીતે યોગ્ય છે.

વિદ્યાથીના વકીલ ફ્રસ્ટોફર વેઇસ્ટે કહ્યું હતું કે કુન્કેલને ગયા અઠવાડિયે અછબડાના લક્ષણો દેખાવા શરૂ થયા હતા. પણ તેને રસી ન મુકાવવા બદલ કોઇ અફસોસો નથી. વેઇસ્ટે કહ્યું હતુ કે આ બધી તેમની ચુસ્ત ધાર્મિક માન્યતાઓ છે જેને તેઓ વફાદારીપૂર્વક વળગી રહે છે. તેમને આના ભયસ્થાનોની ખબર છે પણ તેનો તેમને વાંધો નથી. દર વર્ષે ૩,૫૦,૦૦૦ અમેરિકનોને અછબડા થાય છે. સીડીસીનો અંદાજ છે કે રસીકરણને લીધે દર વર્ષે ૩પ લાખ કેસ અને ૧૦૦ મૃત્યુ અમેરીકામાં રોકી શકાય છે.

(2:45 pm IST)