દેશ-વિદેશ
News of Monday, 11th February 2019

મોત બાદ જે કોફીનમાં સૂવાનું છે એ બહેને જાતે જ ખરીદી લીધું

કેપટાઉન તા.૧૧: સાઉથ આફ્રિકામાં ટુંકા કપડાં પહેરીને ડાન્સ કરવા માટે જાણીતી ઝોવા વબાન્તુ નામની ડાન્સરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના અખોના શોપિંગની તસ્વીરો અપલોડ કરી છે. એમાં બહેન એક કોફીનમાં સૂઇને પોઝ આપે છે. હજી તો આ બહેન યંગ અને તાજામાજાં છે તો પછી કોફીનની ખીરીદી કેમ કરી એ સવાલ તેમના ચાહકોને થાય એ સ્વાભાવિક છે. એવા સંજોગોમાં બહેને સોશ્યલ મીડિયા પર જ એ વાતનો ખુલાસો આપ્યો છે. તેની સેહતની ચિંતા કરતા ચાહકોને બહેને ધરપત આપી છે કે તે ક્ષેમકુશળ છે અને હમણાં કંઇ મરવાની નથી. હા, અત્યારે તાબુત ખરીદી લેવાનું કારણ એ છે કે બહેનને પોતાની મમ્મીના મોત વખતે થયેલો એવો ઘાટ ફરી થાય એવું નથી જોઇતું. વર્ષો પહેલાં જયારે તેની મમ્મીનું મૃત્યું થયું ત્યારે તેને  ખુબ જ સસ્તા કોફીનમાં વિદાય આપવામાં આવી હતી. એ વખતે કદાચ પરિવારની સ્થિતિ પાતળી હતી એટલે સસ્તુ અને સાવ જ નબળું કોફિન લાવીને એમાં માને પોઢાડવામાં આવેલી. હવે આ બહેન કામધંધો કરીને બે પાંદડે થયાં છે ત્યારે તેમને પોતાની અંતની ચિંતા થવા લાગી છે. માના મોત વખતે તેને દૂખ થયેલું અને એમાં પાછું બીજા લોકોએ તારે પણ આનાથી વધુ સપનાં ન જોવા જોઇએ એમ કહીને બળતામાં ઘી હોમેલું.

પોતે હવે કમાઇને પગભર છે અને જેટલી લેવિશ જિંદગી જીવી શકે છે એટલી જ લકઝુરિયસ સ્ટાઇલમાં અંતિમ વિદાય થાય એની તૈયારીઓ તેણે કરી લીધી છે. બહેનનું કહેવું છે કે મારા મોત પાછળ દીકરાને કોઇ આર્થિક બોજો ન આવે એ માટે આ જરૂરી છે. મારે આખરી વિદાય આમાં પોઢીને લેવી એટલું નક્કી કરવાની છૂટ તો મને હોવી જ જોઇએને? (૧.૩)

(10:23 am IST)