દેશ-વિદેશ
News of Monday, 11th February 2019

એક હાથ વિના જન્મેલા યુવકે પોતાના માટે લેગોમાંથી બનાવ્યો નકલી હાથ

લંડન તા.૧૧: સ્પેનમાં ડેવિડ એગ્યુલર નામનો ટીનેજર જન્મ્યો ત્યારથી તેને એક જ હાથ વિકસ્યો હતો. એક હાથનું હાડકું જ વિકસ્યું નહોતું. આ કુદરતી ખામીને તેણે બહુ સહજતાથી સ્વીકારી લીધેલી અને એક હાથે જીવનજરૂરીયાતની તમામ ક્રિયાઓ કરવાની ફાવટ પણ તેણે કેળવેલી. નવ વર્ષનો હતો ત્યારથી તેને લેગો બ્રિકસમાંથી અવનવી આકૃતિઓનું નિર્માણ કરવાની બહુ મજા આવતી હતી. મોટા થયા પછી પણ તેનો લેગો સાથે નવું ક્રીએટ કરવાનો રસ વધતો ચાલ્યો. બાર્સેલોનાની ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ કેટલોનિયામાં તેણે બાયોએન્જિનિયરિંગ વિભાગમાં એડ્મિશન લીધું ત્યારે તેને સપનામાં પણ ખ્યાલ નહોતો કે લેગો માટેનો પ્રેમ તેને હાથ પણ અપાવી શકે છે. બાયોએન્જિનિયરિંગમાં ભણતાં ભણતાં તેેણે પોતાના માટે લેગોની બ્રિકસ વાપરીને હાથ બનાવી દીધો. આ પ્રોસ્થેટિક હેન્ડ પર તેણે પ્રયોગો કર્યા અને એમાં કેટલીક સેન્સિંગ મોટર્સ બેસાડીને તેણે કોણીથી વળી શકે એવો હાથ તૈયાર કરી દીધો છે. ડેવિડનું કહેવું છે કે તેણે બનાવેલી પ્રોસ્થેટિક હેન્ડની ડિઝાઇન ઘણી જ સસ્તી છે એટલે જેમને મોંઘા બાયોલોજિકલ લિમ્બ પ્રોસ્થેટિક તરીકે વાપરવાનું પરવડે એમ ન હોય તેમના માટે આ નકલી હાથ પણ અનેક કામોમાં અસલી જેવું કામ આપશે.(૧.૩)

(10:22 am IST)