દેશ-વિદેશ
News of Tuesday, 10th December 2019

વિશ્વમાં આ છે અનોખો શખ્સઃ જે પોતાને માને છે ૭૦ ટકા પુરૂષ અને ૩૦ ટકા સ્ત્રી

લંડન, તા.૧૦: જો તમે આ વ્યકિતને જોશો તો તમે પણ વિચારમાં પડી જશો કે તે પુરુષ છે કે સ્ત્રી? અમે રિચાર્ડ ઓ બ્રાયન વિશે વાત કરી રહ્યા છીએ. તેઓ પ્રખ્યાત અભિનેતા, લેખક, સંગીતકાર અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા છે.

૧૯૭૩ માં તેમણે મ્યુઝિકલ સ્ટેજ શો 'ધ રોકી હોરર શો' લખ્યો હતો. જે આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળા પ્રમાણમાં પ્રખ્યાત થયો હતો. આ શો પછી, તેમની એક અલગ ઓળખ બની ગઈ હતી.

રિચાર્ડ પોતાને પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં માને છે. એક અહેવાલ અનુસાર રિચાર્ડ કહે છે, 'હું એવું નથી દેખાવા માંગતો કે જે હું નથી. અભિનેતા એન્ટન રોડરે મને કહ્યું હતું કે તમે પુરુષ કે સ્ત્રી કરતાં કંઇક અલગ છો. અને મને લાગ્યું કે તેઓ બરાબર કહી રહ્યા છે. મને આ મારું વલણ ગમે છે.'

રિચર્ડે ૨૦૧૩ માં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે,'મારૂ  માનવું છે કે આપણે સ્ત્રી અને પુરુષ વચ્ચે કયાંક છીએ. એવા લોકો પણ છે જે સંપૂર્ણ રીતે પુરુષો અથવા સ્ત્રીઓ છે, પરંતુ આપણામાંના મોટાભાગના લોકો કયાંક વચ્ચે છે. હું મારા વિશે માનું છું કે હું ૭૦ ટકા પુરુષ અને ૩૦ ટકા સ્ત્રી છું.

૭૭ વર્ષના રિચાર્ડના ત્રણ વખત લગ્ન થયા છે અને તેમને ત્રણ બાળકો પણ છે. તેમના અને અભિનેત્રી કિમી વાંગનાં લગ્ન ૪ ડિસેમ્બર, ૧૯૭૧ ના રોજ થયા હતા, અને મે ૧૯૭૨ માં તેમને એક પુત્ર લિનસ થયો. ત્યાર પછી તેમણે બીજી વાર ડિઝાઇનર જેન મોસ સાથે લગ્ન કર્યા હતા. જેમનાથી તેમને એક પુત્ર અને પુત્રી છે.

(10:22 am IST)