જીવતો ઓકટોપસ ખાવાની કોશિષમાં મહિલાએ પ્રાણીને મોઢા પાસે લાવતાં એણે નાક-ગાલ પર બટકું ભરી લીધું
બીજીંગ તા. ૧૦ : ચીનમાં એક બ્લોગર મહિલા લોકલ ફોટો શેરિંગ એપ પર લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી જેમાં તે જીવતો ઓકટોપસ ખાવાની કોશિશ કરી રહી હતી. જોકે મહિલાએ હાથમાં પકડેલા ઓકટોપસને જેવો મોઢા પાસે લઈને ચાવવાની કોશિશ કરી કે તરત ઓકટોપસે બીજા ટેન્ટેકલ્સ અને મોઢાથી મહિલાનું નાક અને ગાલ પકડી લીધાં. એની પકડ એટલી મજબૂત હતી કે નાક અને ગાલ ખેંચાઈ ગયાં પણ પકડ ન છૂટી. મહિલા દર્દથી તડપી ઊઠી અને ખૂબ ખેંચ્યા છતાં ઓકટોપસનું બટકું છૂટ્યું નહીં. ખાસ્સી એક મિનિટ પછી જયારે મહિલાએ બેઉ હાથે ઓકટોપસ ખેંચ્યો ત્યારે પકડ છૂટી, પણ ગાલ અને નાક પર લોહી નીકળી આવ્યું. મહિલાને હતું કે તે ઓકટોપસ ખાઈને ફેમસ બની જશે, પરંતુ થયું ઊલટું જ. ઓકટોપસના બટકાને લીધે તેનો વિડિયો લાખો વાર જોવાઈ ચૂકયો છે અને સોશ્યલ મીડિયા પર તેની ભરપૂર આલોચના થઈ રહી છે.