દેશ-વિદેશ
News of Saturday, 10th February 2018

૭૬ વર્ષનાં માજી પૌત્રને ભણાવવા

વ્હીલચેર લઈને દરરોજ ૨૪ કિલોમીટર ચાલે છે

બીજીંગ,તા.૧૦ : સલામ પોતાના પૌત્રને શિક્ષણ મળે એ માટે થઈને ચીનની એક દાદી રોજ જે પરિશ્રમ કરે છે એ વાત રૃંવાડાં ખડાં કરી દે એવી છે. ચીનના ગુઆન્કસી પ્રાંતમાં રહેતાં ૭૬ વર્ષના શી યુયિન્ગ નામનાં માજી પૌત્ર જિઆન્ગ હાઓવેન માટે ઘરથી સ્કૂલની કુલ આઠ ટ્રિપ મારે છે. જિઆન્ગ બે વર્ષનો હતો ત્યારે જ તેને સેરિબ્રલ પોલ્ઝી નામનો રોગ હોવાનું નિદાન થયું હતું. એને કારણે તે ચાલી શકતો નથી અને વ્હીલચેરમાં જ તેને લઈને ફરવું પડે છે. હાલમાં નવ વર્ષનો જિઆન્ગ સ્કૂલમાં સારું ભણે છે, પરંતુ તેને ભણાવવા માટે છેલ્લાં ચાર વર્ષથી તેની દાદી ખાસ્સા કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં રોજ વ્હીલચેર પુશ કરીને લઈ જાય છે અને લાવે છે.

જિઆન્ગની મમ્મીએ આ પરિવારને છોડીને બીજે લગ્ન કરી લીધાં છે જયારે તેના પપ્પા નજીકના શહેરમાં કમાવા માટે જતા હોવાથી મહિનામાં એક-બે વાર જ ઘરે પાછા આવે છે. જિઆન્ગની સારવારમાં ખૂબ બધો ખર્ચ થઈ ગયો હોવાથી પરિવાર દેવા તળે ડૂબી રહ્યો છે. જોકે માજી પૌત્રને સાજો કરવા અને સાથે જ તેને ભણાવી- ગણાવીને મોટો માણસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી રહ્યાં. દિવસમાં કુલ ચાર વાર તેઓ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલની સફર કરે છે અને એમાં લગભગ ૨૪ કિલોમીટર જેટલું ચાલવાનું થઈ જાય છે.(૩૦.૫)

(2:06 pm IST)