દેશ-વિદેશ
News of Saturday, 10th February 2018

પેટના ઇન્ફેકશનની સારવાર ન થવાથી પણ બાળકોમાં કુપોષણ વધે

નવી દિલ્હી, તા., ૧૦: નવજાત શિશુમાં જ નહી, સ્કુલે જતા બાળકોમાં પણ અપુરતા પોષણને કારણે તેમનો શારીરીક-માનસીક વિકાસ રૃંધાઇ જાય છે અને એટલે જ ભારતમાં સરકારી સ્કુલોમાં મધ્યાહન ભોજન આપવાની પ્રથા શરૂ થઇ હતી. જો કે હજીયે ભારતમાં બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામવાનો આંકડો હજી ઘટયો નથી. જો કે માત્ર પોષક ખોરાક પુરો પાડવાથી કુપોષણની સમસ્યા નાથી શકાય એમ નથી. પોષક ખોરાક ખાધા પછી એમાના પોષક તત્વો શરીરમાં એબ્સોર્બ થાય એ માટે પાચન વ્યવસ્થા તંદુરસ્ત હોવી જરૂરી છે. અમેરીકાની યુનિવર્સિટી ઓફ વર્જીનીયા સ્કુલ ઓફ મેડીસીનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે બાળકો કુપોષણનો શિકાર બને ત્યારે એનું એક મહત્વનું કારણ હોય છે. પેટમાં કોઇક પ્રકારનું ઇન્ફેકશન એને કારણે ખોરાકનું  પોષણ શરીરમાં શોષાતુ જ નથી. રીસર્ચરોએ એશીયાના ત્રણ દેશોમાં શહેરી વિસ્તારના સ્લમનાં બાળકોનો ચાર વર્ષ સુધી અભ્યાસ કરીને આ તારવ્યું છે. જયારે બાળકનો યોગ્ય વિકાસ ન થતો હોય ત્યારે તે કુપોષીત છે એવું કહેવાય છે પણ તેનો વિકાસ ન થવા પાછળ પોષક ખોરાકના અભાવ ઉપરાંત પાચનની અક્ષમતા અને ઇન્ફેકશન પણ હોય છે.

(12:41 pm IST)