દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

ગાયના ગળાની નસ વાપરીને સાઉદી અરેબિયાની બાળકીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું

નવી દિલ્હી,તા.૧૦: હરિયાણાના ગુડગાંવની આર્તેમિસ હોસ્પિટલના ડોકટરોએ સાઉદી અરેબિયાથી આવેલી એક વર્ષની બાળકીના લિવર ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયામાં ગાયના ગળાની નસનો ઉપયોગ કર્યો હતો. બાળકીના લિવરમાં રકતપ્રવાહ માટે જરૂરી નસ ગાયના ગળામાંથી મેળવવામાં આવી હતી. ગળાની એ નસ ગાયના માથા અને ચહેરા વચ્ચે રકતપ્રવાહ માટેની હોય છે.

આર્તેમિસ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડો. ગિરિરાજ બોહરાએ જણાવ્યું હતું કે 'સાઉદી અરેબિયાથી આવેલી હુર નામની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે લિવરની બીમારીને કારણે ખૂબ નબળી હતી. હુરનું વજન પાંચ કિલો ૨૦૦ ગ્રામ હતું. તેને બિલિયરી એટ્રેસિયા નામની બીમારી હોવાથી લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. એ બીમારી માટે અગાઉ સાઉદી અરેબિયામાં હુરના પેટની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એ સર્જરી સફળ થઈ નહોતી.'

આ બાળકીને બિલિયરી એટ્રેસિયા નામની બીમારી હતી જે ૧૬૦૦ નવજાત બાળકોમાંથી એકાદમાં જોવા મળે છે. એમાં બાળકોની બાઇલ લઈ જતી નળીનો વિકાસ નથી થઈ શકતો. માત્ર પાંચ કિલો અને ૨૦૦ ગ્રામ વજન ધરાવતી બાળકી પર એની સર્જરી કરવાનું કોમ્પ્લિકેટેડ હતું, પરંતુ ૧૪ કલાકની સર્જરીનાં બે અઠવાડિયાં બાદ હવે બાળકી સ્વસ્થ છે.

(3:36 pm IST)