દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

૩૧૪ દિવસથી અંતરિક્ષમાં છે આ મહિલા, દિવસમાં ૧૬ વખત જુએ છે સૂર્યોદય

વોશીંગ્ટન, તા.૧૦: અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અંતરિક્ષયાત્રી ક્રિસ્ટીના કોચ દુનિયાની પહેલી મહિલા છે જેણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૨૮ ડિસેમ્બર ૨૦૧૯માં સૌથી વધુ દિવસ રહેવાનો રેકોર્ડ બનાવ્યો. તે હજુ ફેબ્રુઆરી મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં જ રહેશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ક્રિસ્ટીના દરરોજ દિવસમાં ૧૬ વખત સૂર્યોદય જુએ છે.

આવો જાણીએ પૃથ્વીથી લગભગ ૪૦૮ કિલોમીટર ઉપર સ્થિત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેસન પર ક્રિસ્ટીના કોચે કયા-કયા રેકોર્ડ તોડ્યા છે? ક્રિસ્ટીના દુનિયાની પહેલી મહિલા છે જેણે બીજી અંતરિક્ષયાત્રી જેસિકા મીર સાથે ઓકટોબર ૨૦૧૯માં અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યું. આ અંતરિક્ષ વિજ્ઞાનમાં પહેલીવાર હતું જયારે કોઈ મહિલાઓએ પુરુષ સાથી વિના સ્પેસવોક કર્યું.

ક્રિસ્ટીનાએ અત્યાર સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનપર ૩૧૪ દિવસો વિતાવ્યા છે. એક દિવસમાં ૧૪૪૦ મિનિટ હોય છે. ક્રિસ્ટીના દરેક ૯૦ મિનિટ પર એક વખત સૂર્યોદય જુએ છે. કારણ કે સ્પેસ સ્ટેશન ફરીને પૃથ્વીના બીજા ભાગમાં પહોંચે છે. આ હિસાબથી ક્રિસ્ટીના દરરોજ ૧૬ વખત સૂર્યોદય જુએ છે. ૩૧૪ દિવસોમાં અત્યાર સુધી તે ૫૦૨૪ વખત સૂર્યોદય જોઈ ચોકી છે.

ક્રિસ્ટીનાને ૧૪ માર્ચ ૨૦૧૯ પર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલાઈ હતી. તેનું મિશન માત્ર ૬ મહિનાનું જ હતું પરંતુ નાસાએ મિશનને આગળ વધારી દીધું. નાસાનું કહેવું હતું કે ક્રિસ્ટીનાએ હજુ સ્પેસમાંથી વધારે ડેટા એકઠો કરવાનો છે.

ક્રિસ્ટીના કોચ ધરતી પર અંતરિક્ષમાં સૌથી વધુ દિવસો વિતાવનારી મહિલાનો રેકોર્ડ બનાવીને પાછી આવશે. આ પહેલા ૨૦૧૭માં નાસાની અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસને અંતરિક્ષમાં ૨૮૯ દિવસ, ૫ કલાક અને ૧ મિનિટનો સમય પસાર કર્યો હતો. પરંતુ ક્રિસ્ટીના અંતરિક્ષમાં કુલ ૩૨૮ દિવસ સુધી રહેવાનો રેકોર્ડ બનાવશે.

(3:36 pm IST)