૩૫.૬૫ કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યાની જાણ ફેસબુક પરથી થઇ
ન્યુયોર્ક,તા.૯: આપણામાં કહેવત છે ‘ભાગ્યશાળીને ભૂત રળે.' આ કહેવત અમેરિકાના મિશિગનની કેન્ટ કાઉન્ટીમાં રહેતાં આ બહેન માટે સાચી પડી છે. ફેસબુક પર ફરતાં અચાનક જ તેમને ૩૫.૬૫ કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હોવાની જાણ થઈ હતી. આ બહેને મિશિગનના ગ્રેન્ડ રેપિડ્સમાં આવેલા ડી એન્ડ ડબ્લ્યુ ફ્રેશ માર્કટમાંથી ૨૦ નવેમ્બરે એક લોટરી ખરીદી હતી. જોકે એ ખરીદ્યા પછી તેઓ રિઝલ્ટ જોવાનું ભૂલી ગયાં હતાં.
થોડા દિવસ બાદ રાતે ફેસબુક પરની પોસ્ટ જોતાં તેમની નજર ન્યુઝ- સ્ટેશનની પોસ્ટ પર પડી, જેમાં કેન્ટ કાઉન્ટીની કોઈ એક વ્યક્તિને જેકપોટ લાગ્યો હોવાનું જણાવાયું હતું. આખો આર્ટિકલ વાંચતાં તેમને ધ્યાનમાં આવ્યું કે જે સ્ટોરમાંથી તેમણે લોટરી ખરીદી હતી એ જ સ્ટોરમાંથી વેચાયેલી ટિકિટ પર જેકપોટ લાગ્યો હતો. લોટરીનો નંબર ચેક કરતાં ઇનામ મેળવનાર વ્યક્તિ પોતે જ હોવાની ખબર પડતાં તેઓ એકદમ દિગ્મૂઢ થઈ ગયાં હતાં.
આ મહિલાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે હું ૭૧.૭૦ કરોડ કરતાં ઓછા ઇનામની લોટરીની ટિકિટ ખરીદતી જ નહોતી, પણ એ દિવસે વળી અચાનક મન થયું અને ટિકિટ ખરીદી લીધી હતી. હવે આ બહેન ઇનામની રકમમાંથી દેવું ચૂકવીને ધૂમ ટ્રાવેલિંગ કરવા માગે છે.