દેશ-વિદેશ
News of Thursday, 9th April 2020

લોકડાઉન વચ્ચે બીજી પત્નીને મળવા પોલીસ પાસે માગી મંજૂરીઃ પોલીસે કહ્યું હમણા એકથી કામ ચલાવો

લોકડાઉનની વચ્ચે પોલીસ પાસે નવા નવા નુસખાવાળા લોકો ફરિયાદી બનીને આવે છે

દુબઇ,તા.૯:સઉદી અરબમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૨૭૦૦થી પણ વધારે કેસ સામે આવ્યા છે. જયારે તેમાં ૪૧ લોકોના મોત પણ થયા છે. ત્યાં એકદમ સખ્ખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

ઉપરાંત ત્યાં સંક્રમિત વિસ્તારોમાં સ્ટરલાઈજેશન પ્રોગામ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે લોકડાઉનની વચ્ચે પોલીસ પાસે નવા નવા નુસખાવાળા લોકો ફરિયાદી બનીને આવે છે. જેને લઈ પોલીસને ચહેરા પર કયારેક હાસ્યનું મોજૂ ફરી વળે છે.

દુબઈ પોલીસે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, તેમની પાસે એક ફોન આવ્યો હતો, જેમાં એક શખ્સે પોતાની બીજી પત્નીના દ્યરે જવા માટે કર્ફ્યુ પાસની માગ કરી હતી. હકીકતમાં જોઈએ તો, દુબઈ પોલીસના ચીફ એક રેડિયો કાર્યક્રમમાં હાજર હતા, જયાં તેઓ કોરોના વાયરસ અને લોકડાઉન સંબંધિત સૂચનાઓ આપી રહ્યા હતા. અહીં આ કાર્યક્રમમાં કોલર્સ સવાલ પૂછી રહ્યા હતા, ત્યારે એક શખ્સે પોતાની બીજી પત્નીને મળવા જવા માટે પાસની માગ કરી હતી અને કહ્યું હતું કે, શું આ માટે મને મંજૂરી મળી શકે ખરી ?

આ શખ્સનો આવો સવાલ સાંભળી રેડિયો લાઈવ પર હાજર દુબઈ ટ્રાફિક પોલીસના ચીફ બ્રિગેડિયર સૈફ મુહૈર અલ માઝરોઈ પણ હસવા લાગ્યા હતા. ત્યારે તેમણે આ શખ્સને જણાવ્યું હતું કે, તમારે બીજી પત્નીને ન મળવા જવું પડે એના માટે પાસ ન હોવાનું બહાનું સૌથી સારુ છે. જો કે, તેમણે સાથે એવું પણ જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં આ માટે મંજૂરી આપી શકાય નહીં. થોડા દિવસ એક પત્નીથી કામ ચલાવો, અને તેની સાથે રહો. (૨૨.૫)

(9:56 am IST)