દેશ-વિદેશ
News of Tuesday, 9th March 2021

તાઇવાનના લોકો માટે પાઈનેપલનું રાષ્ટ્રીય હિતની દર્ષ્ટિએ મહત્વ વધ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: તાઇવાનના લોકો માટે અત્યારે પાઇનેપલનું રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ મહત્વ વધી ગયું છે. પાઈનેપલ હવે સ્વતંત્રતાનું ફળ ગણાવા લાગ્યું છે. જેનું કારણ તાઇવાનને પચાવી પાડવાનો મનસૂબો ધરાવતું ચીન છે. ચીને તાઇવાનથી આવતા પાઇનેપલ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના કારણમાં જણાવાયું છે કે, તાઇવાનના પાઇનેપલ્સમાં જીવડાં જોવા મળ્યા છે કે જે આરોગ્ય માટે જોખમી છે. તાઇવાન પાઇનેપલના ઉત્પાદનમાં અગ્રેસર છે અને ચીન લગભગ 77 ટકા પાઇનેપલ તાઇવાનમાંથી આયાત કરે છે. હવે જ્યારે આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે તાઇવાનના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા માટે તાઇવાનના લોકોએ પાઇનેપલની ખૂબ ખરીદી કરી છે અને ચીન જેટલું પાઇનેપલ ખરીદતું હતું એટલું તો ચાર દિવસમાં ખરીદી લીધું હતું.

            તાઇવાનમાં વર્ષે લગભગ 4.20 લાખ ટન પાઇનેપલનું ઉત્પાદન થાય છે. જેમાંથી લગભગ અગિયાર ટકા પાઇનેપલ દુનિયાના 16 દેશોને વેચવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી વધુ પાઇનેપલ તો ચીન ખરીદે છે. ચીનના પ્રતિબંધથી સ્વાભાવિક રીતે તાઇવાનને નુકસાન થાય. એવામાં ખેડૂતોને નુકસાનથી બચાવવા માટે તાઇવાનમાં કૃષિ વિભાગે 'પાઇનેપલની આઝાદી'નું અભિયાન શરૂ કર્યું. વિભાગને 20 હજાર ટન પાઇનેપલની ખરીદી થશે એવી અપેક્ષા હતી. જોકે, કૃષિ મંત્રી ચેન ચી-ચુંગ અનુસાર ચાર દિવસમાં તાઇવાનની જનતાએ 41 હજાર ટનથી વધારે પાઇનેપલ ખરીદી લીધું. જે સ્વાભાવિક રીતે ચીનને થતી નિકાસ કરતાં વધારે છે.

(6:03 pm IST)