દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

પિતા જેવું દેખાતું બાળક વર્ષમાં જ થઇ જાય છે તંદુરસ્ત

ઉછેરમાં પિતાનું યોગદાન મહત્વનું

લંડન તા. ૯ : બાળક માતા જેવું દેખાય કે પિતા જેવું, સુંદર જ લાગતું હોય છે. જોકે એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, પિતાની જેવું દેખાતું બાળક જન્મના એક વર્ષ બાદ તંદુરસ્ત થઈ જાય છે. હેલ્થ ઇકોનોમિકસ જનરલમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, પિતા જેવું દેખાતું નવજાત તેમની સાથે વધુ સમય પસાર કરે છે. પહેલા જન્મદિવસ સુધી તેનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું થઈ જાય છે.

ન્યૂ યોર્ક સ્થિત બર્મિંગહામ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને મુખ્ય રિસર્ચર સોલોમન પોલોચેકે કહ્યું કે, બાળકોનો ઉછેર કરવામાં પિતાનું યોગદાન ખૂબ મહત્ત્વ ધરાવે છે અને બાળકોના સ્વાસ્થ્યમાં પણ તે જોવા મળે છે.

આ રિસર્ચ માટે એકસપર્ટ્સે ૭૧૫ પરિવારના આંકડાનો અભ્યાસ કર્યો હતો. રિસર્ચ મુજબ, આવાં બાળકો તેમના પિતાની ખૂબ નજીક હોય છે.

પિતાની હાજરીમાં સકારાત્મક અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે. જે બાળકોનો ચહેરો તેના પિતા સાથે વધુ મળતો આવે છે, તેમના પિતા તેમની વ્યસ્ત દિનચર્યામાંથી કોઈ પણ રીતે સમય કાઢીને બાળકો સાથે રહે છે.

આ શોધ મુજબ, બાળકો માતાની વધુ નજીક હોય છે, પરંતુ પિતા સાથે તેમનું પોતાનાપણું અલગ પ્રકારનું હોય છે. તેમને તે માટે કોઈ પણ પ્રકારના પ્રલોભનની જરૂર પડતી નથી.

(9:50 am IST)