દેશ-વિદેશ
News of Saturday, 9th January 2021

આ તો ગઝબ જ કહેવાય..... આ કંપનીએ કર્મચારીઓ માટે બનાવ્યો આવો આકરો નિયમ

નવી દિલ્હી: દરેક કંપનીને પોતાના ચોકકસ રુલ હોય છે અને તેને નોકરી કરનારાએ પાળવા પડે છે પરંતુ દક્ષિણ ચીનમાં આવેલી એક કંપનીએ એક વિચિત્ર નિયમ બનાવ્યો છે. આ નિયમ મુજબ કર્મચારીએ ટોયલેટ માટે માત્ર એક વાર જ બ્રેક લેવાનો રહેશે, જો બીજી વાર ટોયલેટ જશે તો તેના માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચીનની એક ઇલેકટ્રોનિકસ સાયન્સ અને ટેકનોલોજીનું કહેવું છે કે કર્મચારીઓ આળસું હોય છે અને તેમની કાર્યક્ષમતા વધારવા માટે એક થી વધારે ટોયલેટ બ્રેક પર મનાઇ ફરમાવવામાં આવી છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતના દોંગગુઆનમાં આવેલી કંપનીએ બીજી વાર ટોયલેટ જનારા કર્મચારીઓ માટે ૨૦ યુઆન(ચીની ચલણ)નો દંડ નકકી કર્યો છે. કંપનીના આ નિયમનો ભંગ કરનારા સાત કર્મચારીઓએ દંડ ભરવો પણ પડયો છે.

આ નિયમ અંગે ઘણા કોમેન્ટ કરી રહયા છે કે આ નિયમ એક જમાનાના પ્રખ્યાત કોમેડિયન ચાર્લી ચેપલિન ફિલ્મની યાદ અપાવે તેવો છે જેમાં કર્મચારીઓએ ટોયલેટ જતા પહેલા પોતાના બોસ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જો કે ચીની સરકારના અધિકારીઓના ધ્યાનમાં આવો વિચિત્ર નિયમ લાગુ પાડવામાં આવ્યો હોવાનું આવતા આ નિયમને ગેરકાનુની ગણાવ્યો હતો. આ અંગે કંપનીએ ખુલાસો કર્યો કે નિયમ ભંગ કરનારા કર્મચારીઓ પાસેથી દંડ લેવામાં આવ્યો નથી પરંતુ માસિક બોનસમાંથી કાપવાનો હતો. કર્મચારીઓ ટોયલેટમાં જઇને સિગરેટ પીતા હોવાથી આ નિયમ બનાવવો પડયો હોવાનો બચાવ પણ કર્યો હતો. કામમાં આળસુ કર્મચારીઓને વારંવાર સમજાવવા છતાં તેમાં કોઇ સુધારો ન થતા નિયમ લાવવામાં આવ્યો હતો.

(4:37 pm IST)