દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

ડીએનએ પરથી જુવાનિયાઓનો મેળાપ કરાવી આપતી કંપની છે જપાનમાં પપ.૦૦૦ રૂપિયામાં કરાવી આપે છે મેચમેકિંગ

ટોકીયો તા. ૮: જીવનસાથી પોતાની પસંદગીનો હોય તો જ લગ્નજીવન સુખી હોય એવું હવે નથી રહ્યું. આપણે ત્યાં અનેક મેચમેકિંગ પ્લેટફોર્મ્સ છે જેમાં તમે સમાજ, જ્ઞાતિ, સામાજિક સ્ટેટસ, દેખાવ વગેરે જોઇને ચોકઠાં ગોઠવવામાં આવે છે. આપણે ત્યાં જેમ બે લોકો વચ્ચે મેળ પાડતાં પહેલાં તેમના ગ્રહો મળે છે કે નહીં એ તપાસવામાં આવે છે એમ જપાનમાં નવા શિરસ્તો સાયન્સને આધારે બન્યો હોવાનો દાવો કરવામાં આવે છે. અહીં નોજજે નામની કંપની તમારાં ડીએનએ તપાસીને તમારૃં અમુક-તમુક વ્યકિત સાથે જીવન જામશે કે નહીં એ નકકી કરી આપે છે. આ કંપનીમાં મેમ્બર બનવા માટેની ફી છે ર૧,૦૦૦ રૂપિયા. એ ઉપરાંત ડીએનએ ટેસ્ટ કરવાની અને એને અનુરૂપ મેચિંગ શોધી આપવા માટે બીજા ૩૪,૦૦૦ રૂપિયાની ફી લેવામાં આવે છે. નવાઇની વાત એ છે કે આ સર્વિસમાં દર મહિને ર૦૦ નવા યુવાનો મેમ્બર બને છે. આમ તો પચીસ વર્ષની મેચમેકિંગનું કામ કરતી કંપનીએ ડીએનએ મેચિંગ સર્વિસ થોડા મહિના પહેલાં જ શરૂ કરી છે. ડીએનએમાં ૧૬,૦૦૦ પ્રકારનાં વેરિએશન્સ તપાસીને એને મેચ કરવામાં આવે છે. જેમનાં ડીએનએમાં ૮૦ ટકા જેટલું સામ્ય હોય તેમને મેળવવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે જે લોકો અંતર્મુખી છે, જીવનસાથી માટે ડેટિંગ કરીને તંગ આવી ચુકયા છે અથવા પારંપરિક રૂપે લોકોને મળવામાં સંકોચ અનુભવે છે એવા લોકોને આ સર્વિસ બહુ ગમે છે.

(3:48 pm IST)