દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

દગાબાજ પતિએ પત્નીનો વિશ્વાસ પાછો જીતવા નગ્ન પરેડ કરવાનું સ્વીકાર્યું

લંડન તા. ૮: કોલમ્બિયામાં થોડા દિવસ પહેલાંની એક ઘટના સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થઇ છે. બારાન્કિલા શહેરમાં એક માણસ નગ્ન અવસ્થામાં કારની છત પર સૂતો હોય એવા અલગ-અલગ એન્ગલથી ઘણાબધા વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ થયા છે. વાત એમ છે કે જૈરો નામના એક ભાઇ પોતાની પત્નીથી છુપાવીને કોઇ મોટેલમાં રંગરેલિયાં મનાવવા માટે ગયેલા અને પત્નીએ તેમને રંગેહાથ પકડી લીધા. ભૂલ પકડાઇ જતાં ભાઇસાહેબે માફી માગવા માટે હાથ જોડયા અને પગ પકડયા. પણ પત્ની કેમેય માનવા તૈયાર નહોતી. ખૂબ ગુસ્સામાં પત્નીએ તેને કહ્યું કે જો તું નગ્ન થઇને જાહેરમાં પરેડ કરવા તૈયાર થાય તો જ હું માફ કરીશ. માફી મેળવવા માટે જૈરોભાઇ એમ કરવા તૈયાર થઇ ગયા. તેને એમ કે તેની પત્ની પીગળી જશે અને તેની બેઇજજતી નહીં થવા દે. જોકે પેલા ભાઇ સંપૂર્ણ નગ્ન થઇ ગયા એ પછી પત્નીએ તેને કારની છત પર બેસાડયો અને ગાડી ચાલુ કરી દીધી. મોટેલથી ઘર સુધી જૈરો એમ જ નગ્નાવસ્થામાં કાર પર ઉંધો પડી રહ્યો. વચ્ચે તેણે પત્નીને માની જવા માટે ઘણી વિનવણી કરી. પણ પત્ની ન જ માની. જયારે ખૂબ ટ્રાફિકવાળી જગ્યાએ આવ્યા અને તેનો વિડિયો લેવા માટે ટોળું એકઠું થયું ત્યારે સ્થાનિક પોલીસનું ધ્યાન ગયું. આટલી બેઇજજતી ઓછી હોય એમ પોલીસે પણ તેને દંડ કર્યો. પહેલાં તો કાર પરથી ઉતારીને કપડાં પહેરાવ્યાં અને આવું અભદ્ર વર્તન જાહેરમાં કરવા બદલ ૬૦૦૦ રૂપિયાનો દંડ કર્યો. જોકે સોશ્યલ મીડિયામાં એવી વાતો થઇ રહી છે કે આટલું થયા પછીયે ભાઇસાહેબનું લગ્નજીવન બચી ગયું એ બહુ સારી વાત છે.

(3:44 pm IST)