દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

૧૯૬ દેશમાં ફરી આવનાર સૌથી પહેલી મહિલા છે ર૧ વર્ષની

ન્યુયોર્ક, તા. ૮ : છોકરી ૧૮ વર્ષની થઇ જાય એ પછીયે એકલી ભણવા માટે હોસ્ટેલમાં મૂકવાની હોય તોયે આપણે ચાર વાર વિચાર કરીએ, જયારે અમેરિકામાં ર૧ વર્ષની લેકસી એલ્ફોર્ડ નામની કન્યા ર૧ વર્ષની ઉંમરે આખા વિશ્વનું ભ્રમણ કરી આવી છે. લેકસી અત્યાર સુધીમાં ૧૯૬ દેશોમાં ફરી આવી છે અને એના પુરાવા તે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ માટે આપી ચૂકી છે. લેકસીનું કહેવું છે કે દુનિયા જોવાનું તેણે બચપણથી જ નક્કી કરેલું. તેના પરિવારની કેલિફોર્નિયામાં ટ્રાવેલ-એજન્સી હતી. દર વર્ષે તે પેરન્ટ્સ સાથે સ્કૂલમાંથી કેટલાક વીકની રજા લઇને અલગ-અલગ જગ્યાએ ફરી આવતી હતી. કિશોરાવસ્થાથી જ તે પેરન્ટ્સ સાથે દેશવિદેશ ઘૂમવા લાગી હતી. મમ્મી-પપ્પા સાથે તે કમ્બોડિયાના તરતાં ગામો, દુબઇના બુર્જ ખલીફા, આર્જેન્ટિના, ઇજિપ્તના પિરામિડ્સ મળી અનેક દેશોમાં ફરી હતી. આ બધાને કારણે લેકસીને દુનિયાની દરેક જગ્યાની ખાસિયતો જાણવામાં મજા આવવા લાગી. તેને બીજા દેશોમાં રહેતા લોકોની જિંદગી વિશે જાણવામાં ઉત્સુકતા હતી. ત્રણ વર્ષ પહેલા એટલે કે તે ૧૮ વર્ષની થઇ એટલે તેણે દુનિયાના દરેક નાના-મોટા દેશોમાં ફરવાનું મિશન હાથ ધયુ. તે ૧૮ વર્ષની થઇ ત્યાં સુધીમાં ઓલરેડી તે ૭૮ દેશમાં ફરી ચૂકી હતી, એટલું જ નહીં, હાઇસ્કૂલની એકઝામ તેણે નિયત સમય કરતા બે વર્ષ પહેલા જ આપીને પાસ કરી લીધી હતી. બસ, એ પછી તેણે વધુ ભણવાને બદલે વધુ ફરવાનું નક્કી કર્યું. વિશ્વભ્રમણ કરવું હોય તો ખૂબ પૈસા જોઇશે એની તેને ખબર હતી એટલે ૧ર વર્ષની હતી ત્યારથી જ તેણે સેવિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ફરવા જતા પહેલા તેણે દરેક દેશોની ખાસિયતો સમજીને ત્યાંની સસ્તી હોટેલોની શોધખોળ કરી અને બજેટને જાળવી રાખ્યું. આફ્રિકાના કેટલાક દેશોમાં તેને બહુ તકલીફ પડી, કેમ કે ત્યાં અંગ્રેજી સમજી શકે એવા ગાઇડ અને રહેવાની વ્યવસ્થા શોધવામાં બહુ મુશ્કેલી પડી હતી. ટૂંકમાં લેકસીબહેન ર૧ વર્ષની ઉંમરે ૧૯૬ દેશો ફરી વળ્યાં અને હવે એનો રેકોર્ડ નોંધાય એની રાહ જોઇ રહ્યા છે.

(3:43 pm IST)