દેશ-વિદેશ
News of Saturday, 7th December 2019

સોનાનું ટોઇલેટ બનાવનારા આર્ટિસ્ટનું ડકટ-ટેપ લગાવેલું કેળું ૮પ લાખ રૂપિયામાં વેચાયું

ન્યુયોર્ક તા. ૭: જો એક કેળું દિવાલ પર ચીપકાવીને મૂકેલું હોય તો એ તમે કેટલામાં ખરીદો? અમેરિકાના માયામી બીચ પર આવેલા એક આર્ટ એકિઝબિશનમાં એક કેળું દોઢ લાખ ડોલર એટલે કે લગભગ ૮પ.૮૧ લાખ રૂપિયામાં વેચાયું. કેળામાં બીજું કશું જ નહોતું, એને માત્ર ગ્રે રંગની ડકટ-ટેપથી ચિપકાવવામાં આવેલું. કોઇ કેળું આટલા અધધધ રૂપિયામાં કોઇ કેમ ખરીદે? એવો સવાલ કદાચ સામાન્ય લોકોને થઇ શકે, પરંતુ કલાના રસિકો માટે તો કેળું કોણે ગોઠવ્યું છે અને કયા એન્ગલથી ગોઠવ્યું છે જેની ચીજો પણ બહુ મહત્વની હોય છે. થોડાક સમય પહેલાં ૧૮ કેરેટનું સોનાનું ટોઇલેટ કમોડ બનાવનાર મોરિઝિઓ કેટેલન દ્વારા કેળાને ડકટ-ટેપ સાથે ચિપકાવવામાં આવ્યું છે. આ ભાઇએ પહેલાં હોટેલના રૂમમાં મૂકી શકાય એ માટે ખાસ પેઇન્ટિંગનો વિચાર કર્યો હતો અને એ માટે તેમણે તાંબા જેવા રંગથી રંગેલા કેળાનું પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. એમાંથી તેમને આવાં રિયલ કેળાંવાળાં ત્રણ ઇન્સ્ટોલેશન તૈયાર કરવાનો વિચાર આવ્યો અને માયામીના લોકલ માર્કેટમાંથી ખાસ ચુનંદા કેળાં લાવીને એને ડકટ ટેપ સાથે મૂકવામાં આવ્યા. શરૂઆતમાં લોકોને આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કેમ કરવામાં આવ્યું છે. એ વિશે કુતુહલ હતું, પરંતુ પહેલું કેળું એક ફ્રેન્ચ મહિલાએ ૧,ર૦,૦૦૦ ડોલર એટલે કે ૮પ.૬પ રૂપિયામાં વેચાયું હતું. એ પછી તરત જ બીજું કેળું પણ ચપોચપ વેચાઇ ગયું. હવે ત્રીજું અને છેલ્લું કેળું વેચવાનું છે જેની કિંમત ૧,પ૦,૦૦૦ ડોલર એટલે કે ૧.૦૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

(11:35 am IST)